અમદાવાદ : લાંભા વિસ્તારમાંથી ઝડપાયો ડિગ્રી વગરનો નકલી ડૉકટર….!!

અમદાવાદના લાંભા વિસ્તારમાં ‘રોગો કે દુશ્મન’ નામથી ક્લિનિક ચલાવતો બોગસ ડૉક્ટર ઝડપાયો છે. જે લાંભામાં છેલ્લા 15 વર્ષથી બેરોકટોક ક્લિનિક ચલાવતો હતો. શિવકુમાર પ્રસાદ નામનો શખ્સ એલોપેથીની સારવાર કરતો હતો. આજે કોર્પોરેશની આરોગ્ય વિભાગની ટીમ ક્લિનિક પર ત્રાટકી હતી. તપાસ દરમિયાન ડૉક્ટર પાસે ગુજરાતની કોઈ ડિગ્રી ન હોવાથી ક્લિનિકને તાળા મારી દેવાયા છે. ડૉક્ટર પાસેથી ઈન્જેક્ટેબલ મટિરિયલ અને દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ડૉક્ટર સ્થાનિક લોકોને બિમારીના સમયે દવાઓ આપવા સુધી જ નહીં, પરંતુ ઈન્જેક્શન આપવા, બોટલ ચડાવવી તેમજ ટાંકા લઈને પણ સારવાર કરી આપતો હતો. કોર્પોરેશનના અધિકારીનું કહેવું છે કે ક્લિનિકમાં બાયો મેડિકલ વેસ્ટની પણ કોઈ વ્યવસ્થા નહોતી.
ત્યારે બીજીતરફ ડૉક્ટરનો દાવો છે કે તેની પાસે બિહારની ડિગ્રી છે. તેણે આયુર્વેદિક મેડિલક કાઉન્સિલ ઓફ પટનાની ડિગ્રી મેળવેલી છે અને તેમાં લખ્યું છે કે તે ભારતમાં ગમે ત્યાં પ્રેક્ટિસ કરી શકે છે. જો કે પોતે એ પણ સ્વીકારી રહ્યો છે કે ગુજરાતમાં પ્રેક્ટિસ માટે 2 વખત મંજૂરી માગી હતી, પરંતુ હજુ સુધી મંજૂરી મળી નથી અને ત્રીજી વખત અરજી કરેલી છે.તો સવાલ એ પણ થાય છે કે આખરે આવા ડિગ્રી વગરના કેટલા ડૉક્ટર શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા ક્લિનિક ખોલીને બેઠા છે ? આ ડૉક્ટર 15 વર્ષથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો. જેની જાણ કોર્પોરેશનને છેક હવે થાય છે? અત્યાર સુધી કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ શું કરતું હતું?
અલ્પેશ રાઠોડ (અમદાવાદ)