દૂધના કેરેટની આડમાં દારૂની હેરાફેરી કરતો ટ્રક ઝડપાયો : ચાલક ફરાર

- મોરબી એલ.સી.બી.એ કરેલી કાર્યવાહીમાં 1920 બોટલ વિદેશી દારૂ સહિત 16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
મોરબી એલ.સી.બી.ને મળેલી બાતમીના આધારે મોરબી-માળીયા હાઇવે પરથી દૂધના કેરેટની આડમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જો કે ચાલક ફરાર થઈ જતા પોલીસે તેને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. મોરબી એલ.સી.બી.ના પો.ઇન્સ. વી.બી.જાડેજાની સૂચના મુજબ પો.કોન્સ. ભરતભાઇ જીલરીયા, આશીફભાઈ ચાણક્યાને મળેલી ચોક્કસ બાતમીના આધારે માળીયાથી મોરબી તરફ આવી રહેલી ટ્રક નંબર MH O4-FP- 1186 ને ભરતનગર ગામની સીમ પાસે અટકાવી હતી.
આ દરમ્યાન ટ્રક ચાલક પોબરા ભણી ગયો હતો. પોલીસે ટ્રકની તલાશી લેતા તેમાં દૂધ ભરવાના પ્લાસ્ટિકના કેરેટની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પાર્ટી સ્પેશિયલ ડિલક્ષ વ્હીસ્કીની બોટલ નંગ 1920 કિંમત રૂ. 5,76,000 તથા દૂધના પાઉચ ભરવાના પ્લાસ્ટિકના કેરેટ નંગ 468 કિંમત રૂ.23400 તેમજ ટાટા ટ્રક કિંમત રૂ. 10 લાખ આમ કુલ મળી રૂ 15,99,400 નો મુદ્દામાલ કબ્જે લઈ ટ્રક નંબરના આધારે ટ્રક માલિક તથા ચાલકની શોધખોળ હાથ ધરી છે.
રીપોર્ટ : જનક રાજા, મોરબી