વિરમગામની પ્રવાસી મહિલાનો રિક્ષામાં ભુલાઈ ગયેલો સામાન શોધી આપતી મોરબી “A” ડીવી. પોલીસ

મોરબી
માતાજીના દર્શન કરવા મોરબી આવેલી વિરમગામની મહિલાનો કપડાં-મોબાઈલ અને રોકડ સહિતનો રિક્ષામાં ભુલાઈ ગયેલો સામાન મોરબી સીટી.એ.ડિવિઝનના સ્ટાફે શોધીને પરત કર્યો હતો. વિરમગામના દાણી ફળીમાં રહેતા બિંદુબેન ભુપેન્દ્રભાઈ મહેતા તેઓના માતાજીના દર્શનાર્થે મોરબી આવ્યા હતા. દર્શન કરી પરત મોરબી રેલવે સ્ટેશને જતા સમયે તેઓ કપડાં-રોકડ તેમજ મોબાઈલ રાખેલો થેલો રિક્ષામાં ભૂલી ગયા હતા. આ બાબતની જાણ તેઓએ મોરબી સીટી એ ડીવી.ને કરતા મોરબી સેફર સીટી પ્રોજેકટ અંતર્ગત લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી રીક્ષા નંબર મેળવાયા હતા.
ત્યાર બાદ ઇ-ગુજકોપ પોકેટ કોપ દ્વારા રીક્ષા માલિકનું નામ સરનામું મેળવી રીક્ષા ચાલકનો સંપર્ક કરી મહિલા પ્રવાસીનો થેલો પરત મેળવી તેઓને પરત કરી ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કામગીરીથી ગદગદ થયેલા બિંદુબેને મોરબી પોલીસની ત્વરિત કામગીરીને બિરદાવી હર્ષની લાગણી અનુભવતા પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. મહિલાનો થેલો પરત મેળવી અપાવવામાં પો.કોન્સ.નિર્મળસિંહ જાડેજા, કુલદીપભાઈ સોલંકી અને કમલેશભાઈએ પ્રસંશનીય કામગીરી કરી હતી.
રીપોર્ટ : જનક રાજા, મોરબી