પ્લાસ્ટિકમુક્ત ભારતના સપનામાં નાગરિકોને પણ જોડવાનો વહિવટી તંત્રનો સરાહનીય પ્રયાસ

પ્લાસ્ટિકમુક્ત ભારતના સપનામાં નાગરિકોને પણ જોડવાનો વહિવટી તંત્રનો સરાહનીય પ્રયાસ
Spread the love
  • દેશનું પ્રથમ મહિલાઓ સંચાલિત પ્લાસ્ટિક કાફે
  • એક કિલો પ્લાસ્ટિક આપો અને ગરમાગરમ ગોટા ખાઓ

દેશનું પ્રથમ પ્લાસ્ટીક કાફે દાહોદ નગરમાં શરૂ કરીને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દાહોદને પ્લાસ્ટીકમુક્ત કરવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ કાફેનું સંચાલન ફક્ત મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે એ તેની બીજી વિશેષતા છે. તાલુકા પંચાયત કચેરી સામે શરૂ કરવામાં આવેલા આ પ્લાસ્ટિક કાફેમાં કોઇ પણ વ્યક્તિ ૫૦૦ ગ્રામ પ્લાસ્ટિક જમા કરાવે તો એક કપ ચા કે કોફી મેળવી શકે છે જયારે ૧ કિલો પ્લાસ્ટિક આપીને એક પ્લેટ ગરમાગરમ મેથીના ગોટા ખાઇ શકો છો. આ ઉપરાંત પૌવા, દાબેલી, કચોરી, સમોસા પણ મંગાવી શકાશે.

અત્યારે સ્વસહાય જુથની ૧૦ મહિલાઓ આ કાફેમાં જોડાઇ છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ દ્વારા આ કાફેનું શુક્રવાર તા. ૭ ના રોજ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. હાલમાં સરેરાશ રોજ ૧૦ જેટલા લોકો દ્વારા પ્લાસ્ટિક જમા કરવામાં આવે છે અને ચા નાસ્તાની મિજબાની માણવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજના જણાવ્યા મુજબ જિલ્લાને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે એક પહેલ કરવામાં આવી છે, જેનાથી નગરમાંથી પ્લાસ્ટિકના કચરાનો સકારાત્મક નિકાલ કરવા માટે નાગરિકોને સરસ વિકલ્પ મળી રહેશે. સાથે સ્વસહાય જુથની મહિલાઓને રોજગારી પણ મળી રહેશે.

પ્લાસ્ટિકથી પર્યાવરણને થઇ રહેલા નુકશાન બાબતે પણ લોકોમાં જાગૃતિ લાવવા આ કાફે ઉપયોગી થશે. આ કાફેમાં સ્વસહાય જુથની વિવિધ મહિલા મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલી વસ્તુઓ જેવી કે તોરણો, બંગડી, રાખડી વગેરે પણ સજાવીને વેચાણ અર્થે મુકવામાં આવી છે. એ પણ મહિલાને રોજગારી આપવામાં મદદરૂપ બનશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પૂજય બાપૂની સાર્ધ શતાબ્દી મહોત્સવ વખતે ભારતમાતાને પ્લાસ્ટિક કચરામાંથી મુક્ત કરવા આહ્વાન કર્યું હતું. દાહોદ વહિવટી તંત્ર દ્વારા આ માટે સરસ શરૂઆત કરવામાં આવી છે. પર્યાવરણને પ્લાસ્ટિકમુક્ત કરવાની દિશામાં નાગરિકોનો સહકાર અને જાગૃતિ જરૂરી છે. પ્લાસ્ટિકમુક્ત ભારતના સપનામાં નાગરિકોને પણ જોડવાનો વહિવટી તંત્રનો આ પ્રયાસ સરાહનીય છે.

 

આલેખન : મહેન્દ્ર પરમાર
રીપોટ : જેની શૈખ

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!