ખેરાલુમાં જીપ ઝાડ સાથે અથડાતાં 6 નાં મોત 12 ને ઇજા

મહેસાણા : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, જેમાં અનેક નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. આવો જ એક કિસ્સો મહેસાણા જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં એક જીપ ઝાડ સાથે ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે અને 12થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ખેરાલુના મલેકપુરથી સિદ્ધપુર રોડ પર મજૂરોને લઈને જઈ રહેલી જીપના ચાલકને ઝોકુ આવી જતા તેણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જે બાદ જીપ બેકાબુ બનીને ઝાડ સાથે ધડાકાભેર ટકરાતા અકસ્માત સજાર્યો હતો. આ જીપમાં 20થી વધુ મજૂરો સવાર હતા, જે ખેડબ્રહ્માના હતા. આ અકસ્માતમાં 6 લોકો મોતને ભેટ્યા છે અને 12થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી છે.
આ અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખેરાલુ અને વડનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા ઈકબાલગઢ હાઈવે પર કાર, ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત નીપજ્યા છે અને 10 લોકો ઘાયલ થયા છે.