મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજના સમુહલગ્નમાં 18 દીકરીઓને હેલ્મેટ અપાયા

- મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજના સમુહલગ્ન યોજાયા : મોરબીમાં 18 દીકરીઓ અને થાનમાં 13 દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા : પુલવાના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ
મોરબી અને થાન ખાતે આજે વરિયા પ્રજાપતિ સમાજના સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીમાં 18 દીકરીઓ અને થાનમાં 13 દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડીને સંસારજીવનની મંગલમય શરૂઆત કરી હતી. જ્યારે મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજના સમુહલગ્નમાં 18 દીકરીઓને હેલ્મેટ અપાયા હતા.
મોરબી અને થાન ખાતે આજે એક જ દિવસે યોજાયેલા વરિયા પ્રજાપતિ સમાજના સમુહલગ્નમાં સમાજના વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ હાજર રહીને નવદંપતિઓને મંગલમય દાંમ્પત્યજીવનના શુભાષીશ પાઠવ્યા હતા. જ્યારે મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજની દીકરીઓને હેલ્મેટ આપવામાં આવ્યા હતા. જેમાં રોડ સેફટીને મહત્વ આપીને નવા ટ્રાફિકના નિયમ મુજબ હેલ્મેટ ફરજિયાતને સમર્થન આપવામાં આવ્યું હતું. આજે સમુહલગ્નમાં લગ્નગ્રંથિથી જોડાનાર દરેક દીકરીઓને હેલ્મેટ આપીને રોડ સેફટીના કાયદાનું પાલન કરવાની શીખ અપાઈ હતી.
આ તકે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ડીડીઓ એસ.એમ.ખટાણા તમામ વિવિધ ક્ષેત્રેના મહાનુભવો અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધારાસભ્ય અને ડીડિઓ સહિતના મહાનુભવોએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે સમુહલગ્ન એ એક સહિયારો સામાજિક પ્રયાસ છે. લગ્નના ખોટા ખર્ચા ટાળવા સમાજના દરેક વર્ગે સમુહલગ્નમાં જોડાવવું જોઈએ. અને સમુહલગ્નમાં જોડાવવાથી સમાજની એકતા વધે છે. સમુહલગ્નથી લોકોને આર્થિક રીતે ઘણો ફાયદો થાય છે.
આ તકે સમુહલગ્નમાં ઉપસ્થિત વર કન્યા સહિત તમામ લોકોએ પુલવાના થયેલા અંતકી હુમલાની પ્રથમ વર્ષીએ શહીદોને બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ સંભારંભના અધ્યક્ષ જાદવજીભાઈ વામજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને મોરબી ખાતેના સમુહલગ્નને સફળ બનાવવા સમુહલગ્ન સમિતિના પ્રમુખ ગોકળભાઈ ભોરણીયા, પ્રવીણભાઈ વારનેશિયા, નાથાભાઈ સવાડીયા અને થાનમાં અમરશીભાઈ અંદોદરિયા સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
રીપોર્ટ : જનક રાજા (મોરબી)