ઇન્કમટેક્સ વિભાગ દ્વારા લાખો-કરોડો રૂપિયા ભરવાની નોટિસને પગલે ખેડુત સમાજ આંદોલનના મૂડમાં

ભરૂચ: ભરૂચ જિલ્લાના 1 હજારથી વધુ ખેડૂતોને ઇન્કમ ટેક્ષ વિભાગ દ્વારા લાખો અને કરોડો રૂપિયાના વેરા ભરવાની નોટિસ આપવામાં આવી છે. જેના પગલે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે નોટિસ મળવાનો સીલસીલો યથાવત રહેતા હવે ખેડૂતો આંદોલનના મૂડમાં આવી ગયા. ભરૂચ જિલ્લામાં વસતા 1 હજારથી વધુ ખેડૂતોને ઇન્કમ ટેક્ષ વિભાગ દ્વારા લાખો અને કરોડો રૂપિયાના વેરા ભરવાની નોટિસ આપવામાં આવતા ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના અગ્રણીઓ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભેગા થઇ વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે આવક વેરા વિભાગની કામગીરી સામે ખેડૂત સમાજે સવાલો ઉભા કર્યા હતા.
ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા આગામી તા. 29મી ફેબ્રુઆરીના રોજ ઝાડેશ્વર સ્થિત નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના સભાખંડ ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઇ આયકર વિભાગમાં ઉગ્ર રજૂઆત કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, એક ખેડૂત તરીકે તેઓને કોઈ પણ પ્રકારના વેરા ભરવામાં આવતા નથી. તેમ છતાં લાખો અને કરોડો રૂપિયાના વેરા ભરવા માટે આયકર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. ખેડૂતોએ તે બાબતને ગેર વ્યાજબી ગણાવી આ મુદ્દે આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.