નાનીકડીમાં બંધ મકાનમાંથી 28 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

નાનીકડી ગામમાં રહેતો અને કુખ્યાત બુટલેગર દિલાવરખાન ઉર્ફે દિલીયો અકબરખાન પઠાણના બંધ ઘરમાંથી કડી પોલીસે બાતમીને આધારે રેડ કરી 28 બોટલ વિદેશી દારૂ રવિવાર ના રોજ ઝડપી પાડ્યો હતો.કડી પોલીસે બુટલેગર વિરુદ્ધ પ્રોહીબિશન એકટનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર રાજ્યમાં દારૂબંધી ના કાયદાનો છડેચોક ઉલ્લંઘન કરી પોતાના આર્થિક ફાયદાસરુ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનું વેચાણ કરતા શખ્સોને ઝડપી પાડવા પોલીસ મહાનિદેશક ગુજરાત ગાંધીનગર થી સ્પષ્ટ સુચનાને લીધે કડી પોલીસનો ડી સ્ટાફના પી.એસ.આઈ. વાય.એચ.રાજપૂત ની સીધી દોરવણી હેઠળ સરકારી તેમજ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે નાનીકડીનો કુખ્યાત બુટલેગર દિલાવરખાન પઠાણ પોતાના બંધ મકાનમાં ગેરકાયદેસર વિદેશી દારૂ રાખી અંગત આર્થિક ફાયદાસરુ વેચાણ કરે છે.
જેથી કડી પોલીસે બાતમી ના સ્થળે રેડ કરતા મકાન બંધ હાલતમાં તાળું મારેલી હાલતમાં મળી આવ્યું હતું. જેથી તેમણે આજુબાજુમાં તપાસ કરી મકાનની ચાવી મંગાવી તપાસ કરતા બંધ મકાનમાં રહેલા લાકડાના કબાટમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 28 બોટલો મળી આવી હતી.કડી પોલીસે વિદેશી દારૂ ની જુદા જુદા બ્રાન્ડની 28 બોટલ જેની કી.25,400/- રૂ. થાય છે જેને જપ્ત કરી બુટલેગર વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ પી.આસ.આઈ.વાય.એચ.રાજપુતે હાથ ધરી હતી.
નાનીકડીના બુટલેગર દિલાવરખાન પઠાણે થોડા સમય પહેલા કડી પોલીસ સ્ટેશનના પી. આઈ. ગઢવી અને જીઆરડીને એ.સી.બી.માં રંગે હાથે ઝડપાવ્યા હતા. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે નાનીકડીના જે બંધ મકાનમાંથી કડી પોલીસે રેડ કરી વિદેશી દારૂ ઝડપ્યો તે નાની કડીના કુખ્યાત બુટલેગર દિલાવરખાન પઠાણ દ્વારા તાજેતરમાં કડી પોલીસ સ્ટેશનના પી.આઈ.ગઢવી અને જીઆરડી જવાનને પૈસાની લાલચ આપી એ.સી.બી.માં ઝડપાવી દીધા હતા.