મોરબી : પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોમી એકતા સાથે આસ્થાભેર હોળીકા દહનની ઉજવણી

મોરબી : મોરબીમાં આસુરી શક્તિના વિજય રૂપે આજે પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે પ્રથમ વખત જ કોમી એકતા સાથે હોળીકા દહન કરી લોકોએ પ્રદક્ષિણા ફરી દુર્ગુણોની આહુતિ આપી હતી. મોરબી શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો દ્વારા પ્રથમ તહેવાર કોમી એકતાના દર્શન સાથે હોળીની ભારે આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શ્રધ્ધાભેર હોળીને પ્રગટાવવામાં આવી હતી.લોકોએ ખજૂર, ધાણી, દાળિયા અને ટોપરું,નાળિયેર સહિતની વસ્તુઓનું હોલિકામાં દહન કરીને પોતાની ભીતરમાં રહેલી દુર્ગુણો રૂપી આસુરી શક્તિનું દહન કરવાની અને પરિવારના મંગલમય કલ્યાણની પ્રાર્થના કરી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજના મિત્ર મંડળના આગેવાનો એ જણાવ્યું હતું કે આ આવાસ યોજનામાં માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન થકી કોમી એકતા સાથે ખરા દિલથી ગોકુલધામ સોસાયટી બનાવવી છે. અને દરેક હિન્દુ-મુસ્લિમધર્મના તહેવારો ભાઈ ચારાથી અને એક સંપે ઉજવી મીની ભારત બનાવવું છે. આ હોળીકા દહનને સફળ બનાવવા પ્રધાનમંત્રી આવાસ યોજના મિત્ર મંડળના રાજુભાઈ દવે, રાજુભાઈ ભંભાણી, જનકભાઈ રાજા, ઈશ્વરભાઈ રાઠોડ, પરેશભાઈ ચાનપુરા ,ધીરુભાઈ સાબરીયા,જયેશભાઈ રાઠોડ, જીતુભાઈ જેઠવા, શબીરભાઈ શાહમદાર, રઝાકભાઈ શાહમદાર, ઉવેજ કાશમાણી , ફેઝાન કાશમાણી સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
રીપોર્ટ : જનક રાજા , મોરબી