એક સાથે ચાર દુકાનોના તાળા તૂટતાં લોકોમાં રોષઃ પોલીસ પર ઉઠતા સવાલો

સુરત,
સુરતના વરાછા વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લાખો રૂપિયાની ચોરી અને અન્ય એક જ્વેલર્સના ત્યાં ચોરીના પ્રયાસની ઘટના બાદ ફરી એકવાર તહેવાર ટાણે તસ્કરોએ હાથફેરો કર્યો હતો. એક સાથે ચાર દુકાનોના તાળા તૂટતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. આ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફુટેજમાં એક ઇસમ કેદ થઇ ગયો હતો, બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના વરાછા વિસ્તારમાં હાલમાં જ થોડા દિવસ પહેલા લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવી હતી, અને એ જ ઈસમે અન્ય એક જવેલર્સમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાઓમાં હજુ આરોપી પોલીસ પકડથી દુર છે. ત્યારે ફરી એકવાર વરાછા વિસ્તારમાં વધુ ચાર દુકાનનાં તાળાં તૂટતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. વરાછામાં સુદામા ચોક નજીકના ડોક્ટર હાઉસની ચાર દુકાનના તાળા તૂટયા હતા, જેમાં બેકરી, એક મેડિકલ સ્ટોર અને એક હોમ ડેકોરને તહેવાર ટાણે જ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. ધુળેટીના તહેવારને લઈ દુકાનો બંધ હોવાથી, તસ્કરોએ આ તકનો લાભ લઈ દુકાનનું તાળુ તોડી એક લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ધુળેટીની મોડી રાત્રે થયેલી ચોરીની ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગઈ હતી. જેમાં દુકાનના શટર ઉંચા કરી ચોરી કરવા આવેલા ચાર શખ્સો પૈકી એક શખ્સનું મોઢું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે. આ બનાવ સંદર્ભે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આ શટર તોડ ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.