UNની સુરક્ષા પરિષદ બેઠકમાં ચીન અને અમેરિકા બાખડ્યા

સમગ્ર વિશ્વ માટે હાલ કોરોના વાઇરસ એક મોટી મહામારી સાબિત થઇ રહી છે અને તેનો સામનો કેવી રીતે કરવો તેનો કોઇ પાસે ચોક્કસ ઉકેલ નથી. કોરોના નાઇરસની શરૃઆત ચીનથી થઇ હતી અને ચીને સમગ્ર વિશ્વને આ વાઇરસ અંગે અંધારામાં રાખ્યું તેથી તે વધુ ફેલાયો. અમેરિકામાં હાલ આ વાઇરસની સૌથી વધુ મહામારી છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની બેઠકમાં અમેરિકાએ ચીનને આડેહાથ લીધુ હતું તો ચીને પણ વળતો જવાબ આપ્યો હતો. બે મહાસત્તાઓના પ્રતિનિધિઓ આ બેઠકમાં જગડી પડયા હતા.સંયુક્ત રાષ્ટ્રએ કોરોના વાઇરસની મહામારી પર ચર્ચા કરવા માટે સુરક્ષા પરિષદની બેઠક બોલાવી હતી. જેમાં અમેરિકા અને ચીન પણ જોડાયા હતા જોકે બન્ને આ બેઠકમાં એકબીજાની સાથે જગડવા લાગ્યા હતા. અમેરિકાએ ચીન પર માહિતી છુપાવવા સહિતના આરોપો લગાવ્યા હતા.
અમેરિકાએ થોડા દિવસ પહેલા ડબલ્યૂએચઓ અને સંયુક્ત રાષ્ટ્રની ટીકા કરી હતી અને ચીન પ્રત્યે કુણુ વલણ દાખવવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે હાલ યુએનની જે બેઠક યોજાઇ તેમાં ચીને આ બન્ને સંગઠનના વખાણ કર્યા હતા. આ બેઠકમાં ચીને કહ્યું હતું કે કોવિડ-૧૯ એટલે કે કોરોના વાઇરસ હવે એક વૈશ્વિક મહામારી બની ચુકી છે. આ મહામારી અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા અને સંયુક્ત રાષ્ટ્ર બન્ને જે કામગીરી કરી રહ્યા છે તેના ચીન વખાણ કરે છે. ચીન યુએનની એ અપીલના પણ વખાણ કરે છે કે જેમાં તેણે દરેક દેશોને મળીને કોરોના વાઇરસ સામે લડવાની વાત કરી છે. ચીને દાવો કર્યો હતો કે જ્યારે અમે કોરોના વાઇરસ સામે લડી રહ્યા હતા ત્યારે અનેક દેશોએ અમારી મદદ કરી હતી અને હવે અમે ૧૦૦થી વધુ દેશોને અમારાથી બની શકે તે પ્રકારની મદદ કરી રહ્યા છીએ. જોકે અમેરિકાએ ચીનના દાવા પર સવાલો ઉઠાવ્યા હતા. અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે ચીને કોરોના વાઇરસની મહામારી વિશ્વથી છુપાવી હતી.