બનાસકાંઠામાં વધુ ૪ કેસ પોઝીટીવ આવતા કુલ-૬ કેસ પોઝીટીવ થયા – કલેકટર સંદીપ સાગલે

- જિલ્લામાંથી લીધેલા ૨૦૨ સેમ્પલમાંથી ૧૮૫ રિપોર્ટ નેગેટીવ આવ્યાઃ ૧૧ ના રિપોર્ટ પેન્ડીંગ
પાલનપુર,
બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમિત વધુ ૪ કેસ પોઝીટીવ આવતા કુલ-૬ કેસ કોરોના પોઝીટીવ નોંધાયા છે તેમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી સંદીપ સાગલેએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે જિલ્લામાંથી કુલ-૨૦૨ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી ૧૮૫ લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે અને ૧૧ ના રિપોર્ટ આવવાના પેન્ડીંગ છે. કલેકટરશ્રીએ જણાવ્યું કે સૌપ્રથમ વાવના મીઠાવીચારણ ગામે ૫ વર્ષના બાળક અને પાલનપુર તાલુકાના ગઠામણ ગામે એક વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. તેમના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓ અને હાઇરીસ્કના વ્યક્તિઓની સેમ્પલ ટેસ્ટીંગ કરવામાં આવતા વધુ ૪ વ્યક્તિઓના કેસ પોઝીટીવ આવ્યા છે. ગઠામણ ગામમાં પોઝીટીવ આવેલા વ્યક્તિના પરિવારમાંથી તેમના પત્ની અને ૨ બાળકોને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા છે. વાવ તાલુકાના મીઠાવીચારણ ગામનું બાળક સુરતથી સ્કોરપીયો ગાડીમાં આવ્યું હતું તે બાળકના સંપર્કમાં આવેલા ગાડીના ડ્રાયવરનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે.
કલેકટરશ્રીએ કહ્યું કે, મીઠાવીચારણ અને ગઠામણ ગામને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ૩ થી ૮ કિ.મી. ની અંદર લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો છે. એડીશનલ ૫ કિ.મી. ને બફર ઝોન તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં જીવનજરૂરીયાતની વસ્તુઓ લોકોને હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે લોકોની સલામતિ માટે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે અને જે વિસ્તારમાં કેસ નથી નોંધાયા ત્યાં પણ તકેદારી રાખવી ખુબ આવશ્યક છે. ભવિષ્યડની સુરક્ષા માટે અત્યારના સમયમાં બિનજરૂરી બહાર ન નીકળવા કલેકટરશ્રીએ લોકોને અપીલ કરતાં જણાવ્યું કે અત્યારના સમયમાં ઘર રહો… સ્વસ્થ રહો…..અને સુરક્ષિત રહો….