પરપ્રાંતીયોને વતને મોકલવા અંગે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા માગી

મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પાસે માગ કરી છે કે કોરોનાવાઇરસના કારણે લોકડાઉનના પગલે આ મહિનાના અંત સુધીમાં સ્થળાંતર કામદારોને તેમના વતનમાં મોકલવા અંગે માર્ગદર્શિકા જારી કરવામાં આવે. એડિશનલ સેક્રેટરી મનોજ જોશીની અધ્યક્ષતા હેઠળની કેન્દ્રીય ટીમ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરતા ઠાકરેએ જણાવ્યું હતું કે તેમની સરકારે આશરે છ લાખ સ્થળાંતર કામદારો માટે આશ્રય સ્થાન ખોલ્યા છે અને તેમની સારી રીતે સંભાળ રાખવામાં આવે છે, પરંતુ તેઓ તેમના વતન પાછા ફરવા માગે છે અને કેટલાક સમયથી આની માટે માગ પણ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારને એમ લાગે કે ૩૦ એપ્રિલથી ૧૫મેની વચ્ચે કોરોનાનો રોગચાળો વધુ વકરશે, તો એ પહેલા સ્થળાંતર કામદારોને તેમના ઘરે પાછા મોકલી આપવા પર વિચાર કરવો જોઇએ અને કેન્દ્ર સરકારે આ અંગેની માર્ગદર્શિકા જાહેર કરવી જોઇએ અને સમયસર નિર્ણય લેવો જોઇએ.
મુખ્ય પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે રાજ્યના કોરોનાના ૮૦ ટકા કેસમાં તેના લક્ષણ જોવા નથી મળતા. તેમણે આ અંગેના કારણ પણ જાણવા માગ્યા હતા અને દુબઇમાં કોરોનાના રોગચાળાને ડામવા શું પગલાં ભરવામાં આવ્યા છે તેનો અભ્યાસ કરવો જોઇએ, એમ તેમણે જણાવ્યું હતું. અમેરિકામાં શું થઇ રહ્યું છે એ આપણે બધા જાણીએ છીએ. દુબઇમાં શું થઇ રહ્યું છે તે આપણે જાણવું જોઇએ કારણ કે મહારાષ્ટ્રમાં આ બે જગ્યાએથી જ કોરોના વાઇરસ આવ્યો છે. ઠાકરેએ કેન્દ્ર સરકાર પાસે વધુ વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો, વેન્ટિલેટરની આવશ્યક્તા પર ભાર મૂક્યો હતો. સેના દ્વારા હૉસ્પિટલના નિર્માણ માટે કેન્દ્ર સરકારના માર્ગદર્શનની તેમણે માગ કરી હતી.