પોલીસને ચા પીવડાવવા જવું ભારે પડ્યું

લોકડાઉન દરમિયાન લોકો કોઈને કોઈ બહાને ઘરની બહાર નીકળવાનું શોધી લેતા હોય છે. જેમાં વસ્ત્રાપુરમાં પોલીસે કારમાં જઈ રહેલા દંપતી સહિત ત્રણની ધરપકડ કરી હતી. ગુરૂકુળ રોડ પર તરૂણ નગર સોસાયટીમાં રહેતા હસિંગ શાહ તેમની પત્ની સોનિયા શાહ અને માતા મીનાબેન શાહ હિમાલયા મોલ સામે કારમાં જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા.
પૂછપરછમાં તેમણે પોલીસને ચા આપવા જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું જે કારણ વાજબી ન લાગતા પોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ ત્રણેયની ધરપકડ કરી હતી. અન્ય બનાવમાં પ્રહલાદ નગર ખાતે રહેતા જયંત કે કાર્યા અને મેહુલ કે મારૂ હિમાલયા મોલ પાસે પોલીસને ચા પીવડાવવા આવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી.