લીંબડી-ચુડામાં લાખો મણ ઘંઉના રજિસ્ટ્રેશન સામે 9420 મણ ખરીદાયા

- “બારદાન” ખુટતા ઘંઉની ખરીદી બંધ : 30 મે ખરીદીની છેલ્લી તારીખ
- કોંગી કાર્યકરોએ મામલતદારને આવેદન આપી ન્યાયની માંગ કરી
લીંબડી અને ચુડા તાલુકામાં 10,380 હેક્ટરમાં ઘંઉનું વાવેતર થયું હતું. અંદાજે 15 લાખ મણ ઘંઉનું ઉત્પાદન થવાની શક્યતા છે. રાજય સરકારે 385 રૂ.ના ટેકાના ભાવે ઘંઉ ખરીદીની જાહેરાત કરી ધરતીપુત્રો પાસે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું. લીંબડીના 325 જ્યારે ચુડામાંથી 525 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તા.14 મેથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરી લીંબડીના 21 ખેડૂતોના 5100 મણ જ્યારે ચુડા તાલુકાના 9 ખેડૂતો પાસેથી 4320 મણ ઘંઉ ખરીદી કરવામાં આવી ત્યાં તો સરકારે ફાળવેલા 3000 બારદાન ખૂટી ગયા છે.
બારદાનના અભાવે 9 દિવસથી ખરીદી બંધ કરી દેવામાં આવી છે. 30 મે સુધી ઘંઉની ખરીદી કરવાની સરકારે જાહેરાત કરી છે. તો બીજી તરફ લીંબડી-ચુડાના ખેડૂતો પાસે લાખો મણ ઘંઉનો જથ્થો પડ્યો છે. જેને લઈ લીંબડી કોંગી કાર્યકરો ભગીરથસિંહ રાણા, ખુશાલભાઈ જાદવ, અંબારામભાઈ દલવાડી, દિલીપભાઈ વલેરા, રાજેન્દ્રસિંહ ઝાલા સહિતે મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માટે રજૂઆત કરી છે.
ઘંઉ ખરીદીની તારીખ વધારી નવું રજિસ્ટ્રેશન શરૂ કરો…. ભગીરથસિંહ રાણા. જિલ્લા પંચાયત સદસ્ય
ઘંઉ ખરીદી માટે હવે માત્ર 3 દિવસ બાકી છે. લીંબડી-ચુડાના ખેડૂતો પાસે લાખો મણ ઘંઉનો જથ્થો પડ્યો છે. બારદાન નથી મજૂરો ઓછા છે ત્યારે ઘંઉની ખરીદી કેવી રીતે થશે તે મોટો પ્રશ્ન છે. અનેક ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવવાથી વંચિત રહી ગયા છે. ઘંઉ ખરીદીની તારીખમાં વધારો કરી બાકી રહેલા ખેડૂતો માટે નવું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)