પરીક્ષા મુદ્દે વિવિધ માંગણીઓ સાથે એબીવીપી પાટણ દ્વારા કુલપતિને આવેદનપત્ર

વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ શાખા દ્વારા સોમવારના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કુલપતિને 26મી જૂનથી યોજાનાર પરીક્ષાના સંદર્ભેમાં વિવિધ માંગણીઓને લઈ આવેદનપત્ર પાઠવ્યું હતું, જોકે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજયભરની યુનિર્વિસટીઓમાં પરીક્ષાલક્ષી ગાઇડલાઇન્સ જાહેર કરી છે પરંતુ યુનિર્વિસટીઓ કયાંકને કયાંક ગાઈડલાઈન્સને અનુસરવામાં વિલંબ કરી રહી હોઈ એબીવીપી સંગઠને વિદ્યાર્થીલક્ષી માંગ કરી હતી. જેમાં 26મી જૂનના રોજ યોજાનાર સ્નાતક કક્ષા સેમેસ્ટર 6 અને અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર 2 સહિત સેમેસ્ટર 4નું પરીક્ષા માળખું પેપર સ્ટાઈલ જાહેર કરવું.
સેમેસ્ટર 2- 4- 6 ના વિદ્યાર્થીઓની અગાઉના સેમેસ્ટરની એટીકેટી પરીક્ષાનું આયોજન તાત્કાલિક જાહેર કરાય, યુનિવર્સિટી કેમ્પસ અને સંલગ્ન કોલેજોમાં આવેલી હોસ્ટેલોમાં કોવોરેન્ટાઈન વોર્ડ હેતુ ઉપયોગમાં લેવાયેલ હોઈ પરીક્ષા શરૂ થયાના એક સપ્તાહ અગાઉ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે રહેવા, જમવા સહિત અન્ય સવલતો યુનિર્વિસટી દ્વારા વૈકલ્પિક સુવિધા ઉપલબ્ધ કરાય, 26મી જૂનથી યોજાનાર પરીક્ષામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને માટે વિષય મુજબ સ્ટડી મટીરીયલ ઓનલાઈન ઉપલબ્ધ કરાય, સેશન દીઠ તમામ પરીક્ષાના કેન્દ્રોમાં ચોકસાઈ પૂર્વક સેનેટરાઈઝેશનની સાથે વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવે સહિતની વિવિધ માંગણીઓને લઇ એબીવીપી પાટણ દ્વારા HNGU કુલપતિને આવેદનપત્ર પાઠવી વિધાર્થીલક્ષી માંગ સંતોષવા અપીલ કરી હતી.