85 દિવસ બાદ ભક્તો માતાજીના દર્શન કરી શક્શે, માસ્ક ફરજીયાત

જ્યારે 20 માર્ચ ના રોજ થી અંબાજી મંદિર કોરોનાવાયરસ ની મહામારી ના કારણે બંધ હતું ત્યારે હવે સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે 12 જૂન થી અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કોરોનાવાયરસ ની મહામારી વધારે ન ફેલાય અને સંક્રમણને ફેલાતો અટકાવાય તેને લઇ અંબાજી મંદિરમાં પુરતી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અને તે મુજબ દર્શનાર્થીઓ માટે દર્શન ની બધી જ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
અંબાજી મંદિરના ચેરમેન તથા બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાંગલે અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલે અંબાજી મંદિરની મુલાકાત લઇ અને અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓ માટે કરાયેલી તમામ વ્યવસ્થાઓ નું જાતે નિરીક્ષણ કર્યું હતું અને શક્તિ દ્વારથી તમામ વ્યવસ્થાઓ નું રિહર્સલ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાંગલે સહિત જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલ હાજર રહી અને દરેક બાબતોની ચકાસણી કરી હતી અને અંબાજી મંદિરના વહીવટદાર તેમજ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
વ્યવસ્થા નાં ડેમો ચેકિંગ દરમિયાન અંબાજી મંદિરના વહીવટદાર એસ.જે ચાવડા, અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર જે. બી. આચાર્ય અને મંદિરના અધિકારીઓ સહિતના લોકો હાજર રહી અને કલેકટરશ્રીને સંપૂર્ણ વ્યવસ્થા થી માહિતગાર કર્યા હતા.