જામનગર વધુ 13 રેંકડીઓ, 22 વજનકાંટા જપ્ત

જામનગર મહાનગરપાલિકા દ્વારા કોરોનાની મહામારીને લઇ સોશિયલ ડિસ્ટન્સનો ચુસ્ત અમલવારી કરાઇ રહી છે ત્યારે રેકડીવાળાઓ દ્વારા અમલવારી નહીં કરતા એસ્ટેટ શાખા દ્વારા બાવીસ વજનકાંટા તથા તેર રેંકડીઓ જપ્ત કરવામાં આવી હતી. જામનગરમાં કડીયાવાડ, રણજીતનગર, ખોડીયારકોલોની તેમજ કાલાવાડ નાકાબહાર આવેલા કલ્યાણચોક વિગેરે વિસ્તારમાં શાકમાર્કેટ ન ભરાય તે માટે જામ્યુકોના એસ્ટેટ શાખા દ્વારા મોનીટરીંગ કરવામાં આવે છે.
આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો ઉપર રેંકડી ધારકોને ઉભા ન રહેવા અવાર-નવાર સૂચના આપવામાં આવી હોવા છતાં રેંકડી ધારકો દ્વારા આ સુચાનાની અમલવારી ન કરતા હોય એસ્ટેટ શાખા દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે, આ કાર્યવાહી અંતર્ગત જામનગરમાં જુદા જુદા વિસ્તારમાંથી મળી તેર રેંકડીઓ અને બાવીસ વજન કાંટાઓ એસ્ટેટ શાખાએ જપ્ત કરેલ હતો. એસ્ટેટ શાખા દ્વારા આ જપ્ત કરેલી રેંકડી અને વજન કાંટાઓ મહાનગરપાલિકામાં દંડ ભર્યા પછી જ જે તે રેંકડી ધારકને પરત મળે છે. જો કે, મહાનગરપાલિકા દ્વારા રેંકડી ધારકો પાસેથી વજન કાંટા જપ્ત કરી લેવાતા રેંકડી ધારકો માટે તો ‘પડયા પર પાટુ’ જેવો ઘાટ સર્જાયો છે.
– રોહિત મેરાણી (જામનગર)