ભારે વરસાદથી નુકસાન થયેલ રાણાવાવ-કુતિયાણાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેતા પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ

પોરબંદર જિલ્લાના રાણાવાવ-કુતિયાણા તાલુકાના ગામડાઓમાં ભારે વરસાદ અને પુરના પાણીના આ સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો. અને ગામડાઓમાં પાણી ફરી વળ્યુ હતું. જેથી પાક અને ખેતીની જમીનનું ધોવાણ થયું હતુ. તેમજ નેરાણાંથી છત્રાવાનો રોડ પણ તૂટી ગયો હતો. આ વાતની જાણ થતાં પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા તથા ઠેબાભાઈ ચૌહાણ, કેશુભાઈ પરમાર સહીતના કોંગ્રેસના આગેવાનોએ પસવારી, સેગરસ, છત્રાવા, નેરાણા ગામની મુલાકાત લીધી હતી.
ગામડાઓની ખરાબ પરિસ્થિતિ તેમજ ખેડૂતોની મુશ્કેલીઓને જોઈને નાથાભાઈ ઓડેદરાએ સ્થળ ઉપરથી જ ટેલિફોન દ્વારા માર્ગ-મકાન વિભાગના અધિકારીઓને રજૂઆત કરી અને ખેડૂતોની મુશ્કેલીઓની વાસ્તવિકતા દર્શાવી હતી.આ વાતને ધ્યાનમાં લેતા અધિકારીએ 2 દિવસમાં તાત્કાલિક પ્રશ્નનો નિકાલ લાવવાની ખાતરી આપી હતી.