વડોદરા કલેક્ટર-પ્રાંત-મામલતદાર કચેરીઓમાં કોરોનાના કેસોનો ડર

વડોદરામાં કોરોના સંક્રમણનું સતત પ્રમાણ વધી રહ્યું છે અને ખાસ કરીને વિવિધ સરકારી કચેરીઓમાં લોકોની અવર-જવરના કારણે આ પ્રમાણ વધવાની શક્યતા પણ રહેલી છે જેના કારણે મહેસૂલી કચેરીઓમાં સામાન્ય જનતાની અવર-જવર પર પ્રતિબંધ મૂકવાની માંગણી આજે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મામલતદાર(પૂર્વ)ની કચેરીના વહિવટ નાયબ મામલતદારનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ આ કચેરી લોકો માટે બંધ કરી દેવામાં આવી છે. નર્મદા ભવન સ્થિત મહેસૂલી કર્મચારી કોરોનામાં સપડાતા અન્ય કચેરીના કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. આજે વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના સભ્યો કલેક્ટરને મળ્યા હતા.
એક આવેદનપત્ર આપી જિલ્લા તેમજ તાલુકાની કચેરીઓમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોની અવર-જવર રહેતી હોવાથી વિવિધ આદેશો આપવા માંગણી કરી હતી. મહેસૂલી કર્મચારીઓએ જણાવ્યું હતું કે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ આવેલા જનસેવા કેન્દ્રો, ઝોનલ કચેરીઓ, ઇ-ધરા કેન્દ્ર, કલેક્ટર કચેરી રજિસ્ટ્રી શાખાની કામગીરી કોરોના અંગેની સ્થિતિ નિયંત્રણમાં ના આવે ત્યાં સુધી બંધ રાખવી જોઇએ, કલેક્ટર કચેરી, પ્રાંત કચેરીઓ, મામલતદાર કચેરીઓમાં સામાન્ય જનતાની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવા આદેશ આપવો જોઇએ તેમજ જે કચેરીમાં કર્મચારી કે અધિકારીનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તે કચેરી કોવિડ-૧૯ની જોગવાઇ મુજબ સમય મર્યાદા સુધી બંધ રાખી અને તે કચેરીના કર્મચારીઓને ઓછામાં ઓછા ૭ દિવસ ફરજિયાત હોમ ક્વોરેન્ટાઇન થવાનું રહે તેવા આદેશ આપવા જોઇએ.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)