કાગળા બધે કાળા : કોરોનાના નામે મદદ માગી 1 કરોડની લેમ્બોર્ગિની ખરીદી

કોરોનાએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધો છે. લોકો બેરોજગાર થઇ રહ્યા છે. સરકારો અને ઉદ્યોગજગત આર્થિક રીતે પડી ભાંગ્યા છે. આવા સમયમાં પણ ધુતારાઓની કમી નથી. એટલે કાગળા બધે કાળા જ છે. બન્યું એવું કે એમેરિકાના ફ્લોરિડામાં એક વેપારીએ કોરોનાના નામે સરકાર પાસે મદદ માગી અને એ પૈસાથી એક કરોડ રૂપિયાની ચકચકાટ લેમ્બોર્ગિની (Lamborghini Huracan sports) ખરીદી લાવ્યો.
29 કરોડ રૂપિયાની મદદ મેળવી
રિપોર્ટ્સ મુજબ અમેરિકાના ફ્લોરિડાના વતની 29 વર્ષના ડેવિડ ટી હાઇન્સ (David T Hines) નામના બિઝનેસમેને સરકારને કોરોનામાં મદદ રુપ થવા આર્થિક મદદ માગી હતી. જેમાં તેને સરકાર તરફથી 4 મિલિયન ડોલર( 29 કરોડ રુપિયા) આપ્યા હતા. આ મદદ ડેવિડને પેચેક પ્રોટોક્શન પ્રોગ્રામ (PPP) હેઠળ મળી હતી. પીપીપીનો હેતુ કોરોના મહામારીથી અસર પામેલા નાના વેપારીને મદદ કરવાનો છે.
ખોટી માહિતીને સહારે 90 કરોડની લોન માગી હતી
રિપોર્ટમાં જણાવાયું કે ડેવિડે કેટલીક કંપનીઓ વતી 13.4 મિલિયન ડોલર (આશરે 90 કરોડ રૂપિયા)ની પીપીપી લોન માટે અરજી કરી હતી. તેણે પેરોલ ખર્ચ અંગે ખોટી અને ભ્રામક માહિતી આપી. તેને આશરે 4 મિલિયન ડોલર (આશરે 29 કરોડ રૂપિયા)ની લોન મળી પણ ગઇ.
મોંઘી હોટેલમાં રોકાયો અને જલસા પણ કર્યા
ડેવિડે સરકારી મદદથી મળેલા પૈસા લઇ જલસા કરવા માંડ્યા. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે આરોપ કર્યો કે આ શખસે ફંડ મળ્યાના થોડા દિવસો બાદ આશરે 3,18000 ડોલર (આશરે 1 કરોડ રૂપિયા)ની Lamborghini Huracan sports કાર ખરીદી. એટલું જ નહીં મિયામી બીચની મોંઘી હોટેલમાં રોકાયો અને લકઝરી દુકાનોથી શોપિંગ પણ કર્યું.
સરકારે પૈસા અને કાર બધુ જપ્ત કરી લીધું
બેન્ક ઓફ અમેરિકાએ ડેવિડની 3 પીપીપી અરજીને મંજૂર કરી હતી. દરેક અરજીમાં તેણે 70 કર્મચારીઓનો દાવો કર્યો અને 4 મિલિયન ડોલર તેમનો માસિક પેરોલ ખર્ચ દર્શાવ્યો હતો. જેના માટે તેને એટલી રકમ મળી ગઇ હતી. પરંતુ હવે ભાંડો ફૂટી જતાં ડેવિડની ધરપકડ કરી લેવાઇ છે. સાથે અધિકારીઓએ આ લક્ઝરી કાર અને બેન્કમાં પડેલી બાકી 3.4 મિલિયન ડોલરની રકમ પણ જપ્ત કરી લીધી છે.
દોષિત પુરવાર થશે તો 70 વર્ષની સજા થઇ શકે છે
ડેવિડ સામે લોન આપનારી સંસ્થાને ખોટી માહિતી આપવા, બેન્ક સાથે છેતરપિંડી અને ગેરકાયદેસર રીતે આવક ઊભી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એક સરકારી અધિકારીના જણાવ્યા મુજબ જો આરોપ પુરવાર થયા બાદ ડેવિડ દોષિત જાહેર થશે તો તેને 70 વર્ષની સજા થઇ શકે છે.