પ્રભારીમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ‘ગેલોપીંગ ગુજરાત’ પુસ્તકનું વિમોચન

અમરેલી : અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે અમરેલી જિલ્લાના સેવાકર્મી શ્રી ભરત ટાંક અને શ્રીમતી ઉર્વી ટાંક દ્વારા તૈયાર કરવામાં આવેલા ‘ગેલોપીંગ ગુજરાત’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના વિકાસને અક્ષરબદ્ધ કરી પુસ્તકમાં કંડારવા બદલ ટાંક દંપતીને અભિનંદન પાઠવતા પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપના જેવા સેવાકર્મીઓ ગુજરાતના વિકાસમાં ભાગીદાર બની ગુજરાતને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ અપાવી અને વિકાસને આગળ ધપાવે છે એ ખરેખર ખુબ જ પ્રશંશનીય છે. આ વિકાસયાત્રા અવિરતપણે ચાલુ રહે અને દરેક ગુજરાતી આ બાબતે ગૌરવાન્વિત થાય એ દિશામાં આપણે સૌએ કાર્ય કરવું જોઈએ. આ અંગે વધુ વાત કરતા શ્રીમતી ઉર્વી ટાંક જણાવે છે કે ‘ગેલોપીંગ ગુજરાત’ પુસ્તક એ છેલ્લા કેટલાક દાયકાઓમાં ગુજરાત રાજ્ય દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ભરેલી વિકાસની હરણફાળનું સરવૈયું છે.
છેલ્લા દાયકાઓમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને આ પુસ્તકમાં ખુબ જ જીણવટથી વર્ણવાનો એક નમ્ર પ્રયાસ છે. આ ઉપરાંત છેલ્લા દાયકાઓમાં ગુજરાતમાં સુજલામ સુફલામ, જ્યોતિર્ગ્રામ જેવા જેટલા પણ નોંધપાત્ર પ્રોજેક્ટ્સ થયા છે એની તમામ વિગતોને આવરી લેવામાં આવી છે. વધુમાં એમણે ઉમેર્યું હતું કે, આ પુસ્તકમાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી સહિતના પદાધિકારીઓ, સાંસદશ્રીઓ અને અમરેલી જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓનો ટૂંકો પરિચય પણ આપવામાં આવ્યો છે.
સુમિત ગોહિલ (જિલ્લા માહિતી કચેરી)
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)