જામનગર પંથકમાં જુગારની જમાવટ, વધુ 84 પકડાયા

- પંદર દરોડામાં પોલીસ પણ દોડી-દોડી થાકી ગઇ : રોકડ, બાઇક સહિત રૂ.૩.૦૫ લાખની મતા કબ્જે કરાઇ
જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણી જુગારની ભરમાર જામી છે જેમાં પોલીસે પંદર સ્થળે દરોડા પાડી જુગાર રમતા મહિલા સહિત ૮૪ લોકોને પકડી પાડયા હતા. શહેરના ગોકુલનગર માંથી પોલીસે જુગાર રમતા ચિરામ દિનેશભાઇ વિરાણી સહિત ૭ને પકડી પાડી રૂ.૧૩૦૪૦ની મતા કબ્જે કરી હતી. જ્યારે ગુલાબનગર વિસ્તારમાંથી પોલીસે કેતન નરશીભાઇ મકવાણા સહિત ત્રણને પકડી પાડી રૂ.૪૫૭૦ની રોકડ કબ્જે કરી હતી. સોનલનગર વિસ્તારમાંથી પોલીસે વનરાજસિંહ જાડેજા સહિત પાંચને જુગાર રમતા રૂ.૪૫૩૦૦ની મતા સાથે ઝડપી લીધા હતા.
જ્યારે જામજોધપુરમાં દોઢીયાવાડી પાસે પોલીસે હિતેશ હીરાભાઈ મલીના મકાનમાં જુગાર રમતા પાંચને પકડી પાડી રોકડ સહિત રૂ.૫૮ હજારની મતા કબજે કરી હતી. જામજોધપુરના સતાપર માંથી પોલીસે મનીષાબેન મહેશભાઈ સહિત આઠેક મહિલાને જુગાર સબબ પકડી પાડી રૂ.૨૯૦૭૦ની મતા સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુરમાં પોલીસે ગૌશાળા પાસેથી સોહિલ ઊર્ફે નાડી મામદભાઇ સહિતનાને પકડી પાડી રૂ.૫૨૨૦ની મતા કબ્જે કરી હતી. જોગવડ પાસે પોલીસે ભોજા હરદાસ સહિતનાને જુગાર રમતા રૂ.૧૫૧૦ની મતા સાથે પકડી પાડયા હતા. લાલપુરના ખડખંભાળીયામાં પોલીસે જુગાર રમતા જયેશ બાલાજી સહિત પાંચને જુગાર રમતાં રૂ.૨૪૧૦ની માલમતા સાથે પકડી પાડયા હતા.
– રોહિત મેરાણી (જામનગર)