આઈએસઆઈની હની ટ્રેપના તાર કચ્છ સુધી લંબાયું
ભુજ : ભારતીય નૌકાદળના જવાનોને સોશિયલ મીડિયા મારફતે હની ટ્રેપમાં ફસાવી,દેશની સુરક્ષા અંગેની જાસૂસી કરવા મજબૂર બનાવવાના નાપાક પાકિસ્તાનના ષડયંત્રની ઝીણવટભરી તપાસ અંતર્ગત નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની એક ટીમ સરહદી કચ્છમાં તપાસ કરી રહી છે. આંધ્ર પોલીસ દ્વારા આરોપીઓના બેન્ક ખાતાઓના ટ્રાન્ઝેક્શનની સઘન તપાસ કરવામાં આવી હતી. જેમાં એક ટ્રાન્ઝેક્શનમાં દર્શાવાયેલો બેન્ક એકાઉન્ટ નંબર કચ્છના અબડાસાના એક શખસનો હોવાનું બહાર આવ્યું હતું. આ ખાતામાંથી માત્ર એક રૂપિયો ‘ટોકન મની’ તરીકે ટ્રાન્સફર થયો હતો. છ મહિના અગાઉ આંધ્ર પોલીસે ગુપચૂપ રીતે કચ્છ આવી જેનો બેન્ક ખાતા નંબર હતો તે શખ્સની પૂછતાછ કરતાં નજીકના ગામના લોહારબંધુઓના નામ બહાર આવ્યા હતા. લોહારબંધુઓ પૈકીનો એક ગુપ્તચર એજન્સીના એજન્ટ તરીકે કામ કરતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જે-તે સમયે આંધ્ર પોલીસ ત્રણેયના નિવેદન લઈ પરત જતી રહી હતી.
લોહાર નામનો શખ્સ તેના ગામ અને સમાજના ગ્રામરક્ષક દળના એક જવાન સાથે ખૂબ લાંબી વાતચીત કરતો હોઈ તેની પણ પૂછપરછ કરી છે. ગ્રામરક્ષક દળના જવાન જોડે ટેલિફોનિક સંપર્કમાં રહેતાં નખત્રાણા પોલીસ મથકના એક આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરને પણ એનઆઈએએ પૂછતાછ કરી છે. જો કે, પશ્ર્ચિમ કચ્છના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ દાવો કર્યો છે કે બંનેની પૂછતાછમાં કોઈ ગુનાહિત સંડોવણી સ્પષ્ટ થઈ નથી. અગાઉ આંધ્ર પોલીસ નિવેદનો લઈ પરત જતી રહી હતી ત્યારે આ જ કેસમાં એનઆઈએને કોઈ મજબૂત કડી મળે છે કે કેમ તેના પર સુરક્ષા એજન્સીઓની મીટ મંડાઈ છે. આંધ્ર પ્રદેશ પોલીસ, નેવલ ઈન્ટેલિજન્સ અને સેન્ટ્રલ આઇબીની સંયુક્ત ટીમે હની ટ્રેપ મારફતે જાસૂસીકાંડનો ગત ૨૦મી ડિસેમ્બર ૨૦૧૯નાં રોજ પર્દાફાશ કર્યો હતો.