ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતલક્ષી યોજનાઓ અંગે માહિતગાર કાર્યક્રમ

અમરેલી : આજે ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરીની પ્રેરક ઉપસ્થિતિમાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરીએ ઉપસ્થિત તમામ ખેડૂતમિત્રોને સંબોધિત કરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાય કે યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતોને વરસાદની અનિયમિતતા કે અનાવૃષ્ટિ/ અતિવૃષ્ટિના કારણે વ્યાપક નુકસાન થાય છે જેના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા લાખો ખેડૂતમિત્રોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરુ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ રાજ્યના નાના મોટા બધા જ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ જેવી પરિસ્થિતિઓને લીધે થયેલ નુકસાન ધ્યાનમાં રાખી સહાય કે અન્ય લાભો આ યોજનાની જોગવાઈઓ મુજબ મળવાપાત્ર થાય છે.
આ ઉપરાંત ખેતીવાડી ક્ષેત્રે અમરેલી જિલ્લામાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ – જીવામૃત બનાવવા કીટ માટે સહાય, કિસાન પરિવહન યોજના અંતર્ગત ભારવાહક સાધનોમાં સહાય, સ્માર્ટ હેન્ડ ટુલ્સ માટે સહાય, પાક સંગ્રહ માટેની સહાય, ટપક/ફુવારા પિયત પદ્ધતિ અપનાવી ભૂગર્ભ ટાંકા માટેની સહાય તથા બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે શેડ/ છત્રીની સહાય જેવી વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ તમામ યોજનાઓનો લાભ લેવા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, પૂર્વ ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયા, યુવા અગ્રણી શ્રી કૌશિક વેકરીયા, ખેતીવાડી વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતમિત્રો હાજર રહ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ઇસ્યુ કરેલી ગાઇડલાઇન્સ મુજબ માસ્ક, સેનિટાઇઝેશન, સોશ્યલ ડિસ્ટનસિંગના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.