રાણેપર ગામે ટ્રેક્ટરમાં ભરેલા ઘાસચારામાં લાગી આગ : મોટી જાનહાનિ ટળી

- પીજીવીસીએલની બેદરકારીના કારણે વીજ વાયર નીચા હોવાથી અવારનવાર બને છે આવી ઘટનાઓ:ખેડૂતો
હળવદ: હળવદ તાલુકાના રાણેપર ગામે આજે સવારના એક ગામના ખેડૂત પોતાના ખેતરે થી ઘાસચારો ભરી ટ્રેક્ટર લઇ ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે ઉપરથી પસાર થતા વીજ વાયરને ટ્રેક્ટર અડી જતા તિખારા ઝરિયા હતા અને ટ્રેકટર ની ટ્રોલી માં ભરેલા ઘાસચારામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી જોકે ટ્રેકટરચાલક ની સમયસૂચકતાને કારણે તાત્કાલિક ટ્રોલી નો ઉલાળિયો કરી ઘાસચારો નીચે ઠલવી દીધો હતો જેથી ટ્રેક્ટર તો બચી ગયું હતું પરંતુ આ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.
જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાણેપર ગામે રહેતા રમતુ ભાઈ મશરૂ ભાઈ પોતાના ખેતરેથી ટ્રેક્ટર માં ઘાસચારો ભરી પોતાના ઘરે આવી રહ્યા હતા તે વેળાએ વીજ વાયર ટ્રેક્ટર માં ભરેલા ઘાસચારાને અડી જતા તિખારા ઝરતા ઘાસચારામાં એકાએક આગ લાગી હતી જેથી તાત્કાલિક ખેડૂત દ્વારા ટ્રેકટર ની ટ્રોલી નો ઉલાળિયો કરી ઘાસચારો નીચે ઉતારી દીધો હતો અને આગની ઝપેટમાં થી પોતાને અને ટ્રેક્ટરના બચાવી લીધું હતું જોકે ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.
વધુમાં સ્થાનિક ખેડૂતો પાસેથી મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં પીજીવીસીએલની બેદરકારીને કારણે વીજ વાયર ઘણા નીચા હોવાથી અવારનવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે જેથી પીજીવીસીએલના અધિકારીઓ કોઈ મોટી ઘટના ઘટે એ પહેલા આવા વિઝવાયર ને યોગ્ય કરે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.