ગુજરાત પોલીસને સ્માર્ટ અને શાર્પ બનાવવી છે : ગૃહ રાજ્યમંત્રી

ગુજરાત પોલીસને સ્માર્ટ અને શાર્પ બનાવવી છે : ગૃહ રાજ્યમંત્રી
Spread the love
  • દાહોદની સબ જેલનું લોકાર્પણ અને ઝાલોદ ડીવાયએસી કચેરીનું ભૂમિપૂજન કરતા ગૃહ રાજ્યમંત્રીશ્રી
  • ઝાલોદ નગરપાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ સ્વ. હિરેન પટેલને પરિજનોને સાંત્વના પાઠવતા શ્રી જાડેજા

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમના દાહોદ જિલ્લાના પ્રવાસના દિવસે રૂ. ૨૨ કરોડના ખર્ચથી નવનિર્મિત દાહોદ સબ જેલનું લોકાર્પણ અને ઝાલોદ ખાતે રૂ. એક કરોડના ખર્ચથી બનનારી નાયબ પોલીસ અધિક્ષકની કચેરીનું ભૂમિપૂજન કર્યું હતું. ઝાલોદ ખાતે યોજાયેલી એક નાની સભામાં શ્રી જાડેજાએ ગુજરાતની સમૃદ્ધિ પાછળ અહીંની શાંતિ અને સલામતી મુખ્ય પરિબળ હોવાનું કહ્યું હતું. તેમણે ઝાલોદ નગરપાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ સ્વ. હિરેન પટેલના પરિવારજનોની રૂબરૂ મુલાકાત લઇ સાંત્વના પાઠવી હતી. અહીં યોજાયેલી સભામાં ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુંડા તત્વોની સાન ઠેકાણે લાવવા અને અસમાજિક તત્વોને ઝેર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સમયથી સાથે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુંડા તત્વો ગુજરાત છોડે, એ કાર્યમંત્ર સાથે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની નેતૃત્વની સરકારે ગુંડા નાબૂદી ધારો અમલ લાવ્યો છે.

તેમણે પોલીસની કાર્યનીતિ સ્પષ્ટ કરતા કહ્યું કે, ગુજરાતની શાંતિ, સુરક્ષા અને સલામતી જોખમમાં મૂકતા લોકોને નશ્યત કરવામાં કોઇ જ પ્રકારની પાછી પાની કરવામાં નહીં આવે. પહેલા એવો વખત હતો કે ગુજરાતમાં છાશવારે તોફાનો થતાં હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પણ બૂલેટપ્રૂફ વાહનમાં કાઢવી પડતી હતી. પરંતુ, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને પોતાની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી ગુજરાતમાં કાયમી શાંતિ આવી છે. ગુજરાતમાં આજે વિકાસનું રોલમોડેલ છે. શિક્ષણ, આરોગ્ય, વીજળી, રસ્તા સહિતની બાબતમાં ગુજરાત અવ્વલ છે. તેની પાછળનું મુખ્ય કારણ અહીં કાયદો અને વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિ છે. શ્રી જાડેજાએ ઉમેર્યું કે, ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ માટે જરૂર પડે ત્યાં કાયદાઓમાં સુધારા વધારા કરી પોલીસ તંત્રને વધુ સક્ષમ બનાવવામાં આવ્યું છે.

ઉક્ત બાબતની વધુ વિગતો આપતા તેમણે કહ્યું કે ગુજરાતમાં પાસા એક્ટને વધુ સશક્ત કરવામાં આવ્યો છે. જુગારના અડ્ડાઓ ચલાવતા તત્વોને સામે પણ હવે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહિલાઓના અછોડા તોડતા તત્વો કે ઇન્ટનેટ ઉપર કે અન્ય રીતે જાતીય સતામણી કરતા તત્વોને પણ તેમાં આવરી લેવામાં આવય છે. ગરીબોની જમીન પચાવી પાડતા લોકોને હવે છોડવામાં નહીં આવે, તેમ કહેતા ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં કોઇની જમીન પચાવી પાડતા તત્વોને ૧૦થી ૧૪ વર્ષની સજા કરવાની અને તપાસ નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા મજબૂર લોકોની વ્હારે રાજ્ય સરકાર આવી છે. આર્થિક અસક્ષમતાનો ગેરલાભ ઉઠાવી મનફાવે એવા વ્યાજદરથી નાણા ધીરતા તત્વો સામે પણ પોલીસ તંત્ર સખ્તાઇથી કાર્યવાહી કરી રહી છે.

શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાત પોલીસને સ્માર્ટ સાથે શાર્પ બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યના ૩૩ જિલ્લા, છ યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મહત્વના સ્થળોને સીસીટીવી કેમેરાથી સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ઇ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત ૪૯૦૦ પોલીસ જવાનોને પોકેટ કોપ મોબાઇલ આપવામાં આવ્યા છે. ગુનેગારોને સજા થાય એ માટે આધુનિક ટેક્નલોજીથી પૂરાવાઓનું ફોરેન્સીક પૃથ્થકરણ કરવામાં આવે છે. આગામી દિવસોમાં ગુનાનું સારી રીતે દસ્તાવેજીકરણ કરવા માટે ૧૦ હજાર જવાનોને બોડીવોર્ન કેમેરા આપવામાં આવશે. આ કેમેરાથી પોલીસ જવાનોની વ્યહવારમાં પણ પરિવર્તન આવશે. તેમણે કોરોનાકાળમાં પોલીસ તંત્રની માનવતા મહેકી હોવાનું સગર્વ કહ્યું હતું. ઝાલોદના બહુચર્ચિત સ્વ. હિરેન પટેલ હત્યા કેસમાં તેમણે એવી ધરપત દર્શાવી કે પોલીસ તંત્રએ આ કેસમાં મહદઅંશે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હજુ પણ તેમાં કોઇ સંડોવાયેલું હશે તો તેને છોડવામાં નહીં આવે.

સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, દાહોદ જિલ્લા માટે ગૌરવની વાત છે કે માત્ર બે દિવસમાં પોલીસ તંત્રને રૂ. ૬૨ કરોડની સુવિધાના કામો મળ્યા છે. ૨૦૧૪માં આ સરકારે ઝાલોદમાં અલગ પોલીસ ડિવીઝન શરૂ કર્યું હતું અને હવે તેની કચેરી બની રહી છે. આદિવાસી વિસ્તારોમાં સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સતત પ્રયત્નશીલ છે. જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી હિતેશ જોયસરે કહ્યું કે, પોલીસ તંત્રની ભૌતિક સુવિધા હોય કે આધુનિકરણની બાબત, પોલીસ કલ્યાણના કામો હોય કે અન્ય કોઇ બાબત ગૃહરાજ્ય મંત્રીશ્રી હંમેશા પ્રેરણા આપતા રહ્યા છે. આ વેળાએ ધારાસભ્ય શ્રી રમેશભાઇ કટારા, અગ્રણી શ્રી અમિતભાઇ ઠાકર, શ્રી શંકરભાઇ અમલિયાર, શ્રી બી. ડી. વાઘેલા, શ્રી નરેન્દ્રભાઇ સોની, જેલોના વડા શ્રી કે. એલ. એન. રાવ, ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ. એસ. ભરાડા, કલેક્ટર શ્રી વિજય ખરાડી, નગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ નાયબ પોલીસ અધીક્ષક શ્રી ભાવેશ જાદવે કરી હતી.

FB_IMG_1608468077774-2.jpg FB_IMG_1608468059828-1.jpg FB_IMG_1608468067289-0.jpg

Admin

Nilesh Ninama

9909969099
Right Click Disabled!