જામનગરમાં કોરોનાના કેસ વધ્યા, વધુ 20 સંક્રમિત થયાં

જામનગર શહેર-જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટ્યા બાદ ફરી આંશિક વધારો થઇ રહ્યો છે. જેમાં શનિવારે સાંજ સુધીમાં શહેરમાં વધુ તેર અને ગ્રામ્યમાં વધુ ૭ દર્દીઓ પોઝીટીવ જાહેર થયા છે જયારે એકનું મોત નિપજ્યું છે. શહેર-જિલ્લામાં છેલ્લા એકાદ પખવવાડીયાથી કોરોનાના સંક્રમણમાં આંશિક વધઘટ યથાવત રહી છે. જેમાં શહેરમાં શનિવાર સાંજ સુધીમાં વધુ ૧૩ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જયારે ગ્રામ્યમાં પણ વધુ ૦૭ પોઝીટીવ કેસ સામે આવ્યા હતા. આથી શહેર-જિલ્લાના પોઝીટીવનો આંક વશ થયો હતો. જ્યારે છેલ્લા ૨૪ કલાક સુધીમાં વધુ એક દર્દીનુ મૃત્યુ નિપજયુ હોવાનું બહાર આવ્યુ છે.
શહેરમાં શુક્રવારની સરખાણીએ શનિવારે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો અને આંક ફરી ડબલ ડિજિટમાં સરકયો હતો. જ્યારે શહેરમાં શનિવાર સાંજ સુધીમાં વધુ ૧૧ દર્દીઓની તબીયત સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી હતી. જ્યારે ગ્રામ્યમાં પણ પાંચ દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા હતાં. ડીસ્ચાર્જનો આંક ૧૬ રહયો હતો. જામનગર શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં શહેરી વિસ્તારોના ૧,૯૪,૯૬૪ અને ગ્રામ્યમાં ૧,૫૯,૦૨૨ લોકોના સેમ્પલ લેવાયા હતો.
– રોહિત મેરાણી (જામનગર)