બનાસકાંઠા જિલ્લામાં આગામી નગરપાલિકાની ચૂંટણીનાં અધિકારીઓની બેઠક યોજાઇ

આગામી ચૂંટણી માટે નિમાયેલા અધિકારી ની પોતાની ફરજ અને સતા ની માહિતી આપવામાં આવી હતી. રાજય ચૂંટણી પંચ, ગાંધીનગર દ્વારા નગરપાલિકા અને પંચાયતોની સામાન્ય ચૂંટણી અને અન્ય સ્વરાજ્યના એકમોની પ્રસંગગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાની પાલનપુર, ડીસા અને ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા થરા અને ધાનેરા નગરપાલિકાની પેટા ચૂંટણી, માંડલા કાંકરેજ તાલુકા પંચાયત અને મોટી મહુડી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી આગામી તા.૨૮-૨-૨૦૨૧ના રોજ યોજવાની છે.
આ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને તટસ્થ માહોલમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન અનુસાર ચૂંટણી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજયની સામાન્ય અને પેટા ચૂંટણી માટે નિમાયેલા ચૂંટણી અધિકારીઓને પાલનપુર કલેકટર કચેરી ખાતે દાંતા તાલુકા વિકાસ અધિકારી સહ આયોજન અધિકારીશ્રી એ. ડી. ચૌહાણ દ્વારા ચૂંટણી અધિકારીઓએ ચૂંટણી દરમ્યાન કરવાની કામગીરી અંગે તાલીમ આપવામાં આવી હતી.
જેમાં ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની સત્તાઓ અને જવાબદારીઓ તેમજ ચૂંટણીને અનુલક્ષી કાનૂની જોગવાઈઓ, ઈ.વી.એમ. સહિત આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ, ઉમેદવારોના ચૂંટણીલક્ષી ખર્ચાઓ અંગે દેખરેખ, કોવિડ-૧૯ની ગાઈડલાઇનનું પાલન કરાવવા જેવી બાબતોથી ચૂંટણી અધિકારીઓને માહિતગાર કરી ચૂંટણીલક્ષી તાલીમથી સજ્જ કરવામાં આવ્યાં હતાં. આ તાલીમમાં ચૂંટણી અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓ સર્વશ્રી એસ.ડી.ગિલવા, શ્રી યોગેશ ઠક્કર, શ્રી હિરેન પટેલ, શ્રી નવલદાન ગઢવી, પુરવઠા અધિકારી શ્રી સુધેન્દ્રસિંહ ચાવડા, મ.ભો.યો. નાયબ કલેકટરશ્રી બાબી સહિત મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જનકસિહ વાઘેલા (થરાદ)