જામનગરનું મહતમ તાપમાન દોઢ ડિગ્રી ગગડ્યું, પારો 34.5 ડીગ્રીએ

• લઘુતમ પારો પણ ત્રણ ડિગ્રી ઘટ્યો
જામનગરમાં સપ્તાહ સુધી ગરમીના પ્રકોપમાં વધારા બાદ બુધવારે ફરી પારો આંશિક ગગડયો હતો અને તાપમાન 34.5 ડિગ્રી રહયુ હતું. આકરા તાપથી જનજીવને આંશિક રાહત અનુભવી હતી. દોઢેક સપ્તાહ બાદ લઘુતમ તાપમાન પણ ઘટીને 20 ડિગ્રી રહયું હતું.
જામનગરમાં ઉનાળાના આગમન પુર્વે સુર્યનારાયણે આકરો મિજાજ દર્શાવતા એકાદ સપ્તાહ સુધી મહતમ તાપમાનમાં ક્રમશ વધારો થતા તાપનો પ્રકોપ રહયો હતો. લગભગ ત્રણેક દિવસ સુધી પારો 36 ડીગ્રીને આંબી ગયો હતો જેથી બપોરે બાર વાગ્યા બાદ તાપ સાથે ગરમીનો પણ શહેરીજનોએ અહેસાસ કર્યો હતો. જામનગરમાં બુધવારે મહતમ તાપમાનનો પારો દોઢ ડીગ્રી ઘટયો હતો જેથી અંગ દઝાડતા તાપથી લોકોએ આંશિક રાહત અનુભવી હતી.જોકે,મધ્યાહન બાદ ગરમીનું જોર મહદઅંશે જળવાયુ હતું.
બીજી બાજુ લઘુતમ તાપમાન પણ ત્રણ ડીગ્રી ઘટયુ હતુ અને પારો 20 ડિગ્રીએ પહોચી ગયો હતો જેથી મધરાતથી વહેલી સવાર સુધી ફરી વાતાવરણમાં ટાઢક છવાઇ હતી. જોકે, સુર્યોદય સાથે ટાઢક પણ ગાયબ થઇ હતી. જામનગરમાં ઉનાળાના આગમન પુર્વે બુધવારે આકરા તાપથી જનજીવને થોડી રાહત અનુભવી હતી.
રિપોર્ટ :રોહિત મેરાણી (જામનગર)