સિવિલમાં નર્સ બની મહિલા 5 દિવસનું બાળક લઈ છૂ થઈ ગઈ

સિવિલમાં નર્સ તરીકેની ઓળખ આપીને એક મહિલા દ્વારા નવજાત બાળક ઉઠાવી જવાની ઘટના બની છે. ઘટના 1 એપ્રિલ ગુરૂવારની છે જે મુદ્દે આખો દિવસ સિવિલમાં ફરીને રોકકડ કર્યા બાદ પરિવારે શુક્રવારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાની વિગતો પ્રમાણે મૂળ રાજસ્થાનના હવાલા ગામે રહેતાં 19 વર્ષીય રાકેશ મીઠુનાથ કાલભેલીયા ત્રિમંદિર ચોકડી પાસે કાચા છાપરામાં રહે છે. 28 માર્ચના રોજ ત્રણેક વાગ્યે યુવકની પત્ની ગાયત્રીદેવીને પ્રસુતીની પીડા ઉપડતા ગાંધીનગર સિવિલમાં લવાયા હતા, જ્યાં ચાર વાગ્યે મહિલાએ દિકરાને જન્મ આપ્યો હતો. ડિલિવરીના ચાર દિવસ પછી એટલે 31 માર્ચના રોજ મહિલાને હોસ્પિટલમાં રજા અપાઈ હતી. આ સમયે એક અજાણી મહિલા દંપતિ પાસે આવી હતી જેણે પોતે નર્સ તરીકેની ઓળખ આપીને હોસ્પીટલથી બાળકની દેખરેખ માટે ઘરે આવતી હોવાનું કહ્યું હતું. જેથી આ અજાણી સ્ત્રી ખીલખીલાટ એમ્બ્યુલન્સમાં દંપતિના ઘરે ગઈ હતી.