મોરબીમાં કોરોના ખૂંખાર બન્યો : હવે સ્મશાનમાં પણ વેઈટિંગ

- યમરાજનો મોરબીમાં મુકામ ગઈકાલે મંગળવારે એક જ દિવસમાં 10 મૃતદેહોની કોવિડ ગાઈડલાઈનથી અંતિમવિધિ
- છેલ્લા છ દિવસમાં પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગે 30 મૃતદેહોની કોવિડ ગાઈડ લાઈન મુજબ અંતિમવિધિ કરી
- સરકારના ચોપડે કોરોનાથી એકેય મોત નથી
મોરબી : મોરબીમાં છેલ્લા પંદર દિવસમાં કોરોનાએ કાળો કેર વર્તાવતા કોરોના ટેસ્ટિંગ, લેબોરેટરી, સીટીસ્કેન, હોસ્પિટલમાં દાખલ થવામાં અને રેમડીસીવીર ઈન્જેક્શનમાં વેઇટિંગ ચાલી રહ્યા છે ત્યારે હવે કોરોનાને કારણે મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક રીતે વધતા મોરબીના સ્મશાનમાં પણ વેઇટિંગ ચાલી રહ્યું હોવાનું બહાર આવ્યું છે.
સરકારી ચોપડે મોરબી જિલ્લામાં છેલ્લા છ દિવસમાં એક પણ મોત થયું હોવાનું ભલે ન દર્શાવવામાં આવ્યું હોય પરંતુ મોરબીના બન્ને સ્મશાન ગૃહમાં છેલ્લા પાંચ દિવસમાં પાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા કુલ 20 મૃતદેહોની કોવિડ ગાઈડ લાઈન મુજબ અંતિમવિધિ કરી હોવાનું અને ગઈકાલે મંગળવારે તો મોરબીમાં યમરાજે મુકામ કર્યો હોય તેમ એક જ દિવસમાં 10 મૃતદેહોની કોવિડ ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરવામાં આવી હોવાનું મોરબી અપડેટની તપાસમાં બહાર આવ્યું છે.
મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા એક જ પખવાડિયામાં કોરોના વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ નિર્માણ થઇ છે અને દરરોજ સેંકડો લોકો સંક્રમિત બની રહ્યા છે પરંતુ સરકારી ચોપડે દરરોજ 15 કે 30 જેટલા પોઝિટિવ કેસ બતાવવામાં આવી રહ્યા છે.જો કે આશ્ચર્ય તો એ વાતનું છે કે, છેલ્લા પાંચ દિવસ એટલે કે 1 એપ્રિલથી 5 એપ્રિલ સુધીમાં મોરબીના લીલાપર સ્મશાન ગૃહમાં 18 અને સામાકાંઠે આવેલા સ્મશાનગૃહમાં 2 મૃતદેહોની કોવિડ ગાઇડલાઇન મુજબ અંતિમવિધિ કરવામાં આવી હતી.
તારીખ મુજબ જોઈએ તો તા.1 એપ્રિલના રોજ 4, તા.2 એપ્રિલના રોજ 5,તા.3 એપ્રિલના રોજ લીલાપર સ્મશાનમાં 1 અને સામાકાંઠે 2, તા.4 એપ્રિલના રોજ 3 અને તા.5 એપ્રિલના રોજ પાંચ મૃતદેહોને અને 6 એપ્રિલના રોજ 10 મૃતદેહોની નગરપાલિકાના ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા કોવિડ ગાઇડલાઇન મુજબ અંતિમવિધિ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે મોરબીમાં છેલ્લા છ દિવસમાં કોવીડ ગાઇડલાઇન પ્રમાણે 30-30 મૃતદેહોની અંતિમ વિધિ કરવામાં આવતા સ્મશાનગૃહમાં વેઇટિંગ જેવી સ્થિતિ જોવા મળી હતી કારણ કે સામાન્ય અંતિમવિધીની સાથે કોવિડ બોડીનું પ્રમાણ વધતા મોડીરાત્રે પણ મૃતદેહને અંતિમવિધિ કરવામાં આવી હોવાનું સુમાહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે. ગંભીર અને ચોંકાવનારી બાબત તો એ છે કે કોરોનાના ખતરનાક પહેલા તબક્કામાં પણ મોરબીમાં જોવા ન મળ્યા હોય તેવા દ્રશ્યો કોરોનાના આ બીજા રાઉન્ડમાં જોવા મળી રહ્યા છે.
ગત ઓગસ્ટ-2020થી માર્ચ -2021 સુધીના 8 માસના સમયગાળામાં મોરબી લીલાપર સ્મશાનગૃહમાં 108 અને સામાકાંઠે આવેલા સ્મશાનગૃહમાં કુલ 22 મૃતદેહો મળી કુલ 130 મૃતદેહોની કોવિડ ગાઇડલાઇન મુજબ અંતિમવિધિ કરવામાં આવી હતી અને ચાલુ માસમાં છ દિવસમાં જ 30 મૃતદેહોને કોવિડ ગાઇડલાઇન મુજબ અંતિમવિધિ કરવામાં આવતા મોરબીમાં કેવી સ્થિતિ છે તેનું સત્ય સ્મશાનના આંકડા ઉપરથી સાબિત થાય છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી