ખંભાળિયાના તબીબ સોશિયલ મીડિયા પર વિનામૂલ્યે સારવારનું માર્ગદર્શન આપશે

- કોરોના મહામારીમાં ક્લિનિક પર બેસી મોબાઈલ, વોટ્સએપ દ્વારા
વર્તમાન સમયમાં કોરોનાની મહામારીને કારણે ચોતરફ હાહાકાર મચી જવા પામ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. એક બાજુ દર્દીઓને કોરોનાની સારવાર માટે હોસ્પિટલોમાં જગ્યા પણ નથી મળતી ત્યારે લોકોના જીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યા છે અને ભયનો માહોલ સર્જાયો છે. આવા કપરા સમયમાં અનેકો સેવાભાવીઓ અને આગેવાનો જરૂરિયાત મંદ માટે રહેવા, જમવા સહિત સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આ મહામારીમાં સેવા કાર્યમાં જોડાયા છે.
કપરા સમયમાં અહીંના જાણીતા સેવાભાવી ડો.નિલેશ રાયઠઠ્ઠાએ આ મહામારીની લડાઈમાં લોક સેવાના કાર્યમાં જોડાઈને કોરોનાના લક્ષણો જણાય તેવા દર્દીઓ માટે મોબાઈલ ફોન, વોટ્સએપ, એસએમએસ સહિત ઓનલાઇન સુવિધાઓ મારફતે દર્દીઓ માટે નિઃશુલ્ક કન્સલ્ટિંગ કરી સેવા શરૂ કરીને યોગ્ય સલાહ અને દવા વિશે માર્ગદર્શન આપવાનું કાર્ય શરૂ કર્યું છે. જે લોકો ઘરે બેઠા-બેઠા ડોક્ટરની સલાહ અને દવા વિશે ફ્રી માર્ગદર્શન મેળવી રહ્યા છે. જેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે. ડો.નિલેશ રાયઠઠ્ઠા શહેર અને આજુબાજુના માટે અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોય છે.
ટાઉન હોલમાં શરૂ કરાયેલા આઇસોલેશન સેન્ટરમાં પણ સક્રિય સભ્ય તરીકે જોડાયેલા છે. ડો.નિલેશ રાયઠઠ્ઠા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ કોવિડની મહામારીને ધ્યાનમાં રાખી લોક ઉપયોગી થઈ શકીએ તે હેતુથી આ કાર્ય શરૂ કર્યું છે. અને બહોળી સંખ્યામાં યોગ્ય સારવાર અને દવાના માર્ગદર્શન માટે બહોળી સંખ્યામાં દર્દીઓ ફોન કોલ, વોટ્સએપ મારફતે સંપર્ક કરે છે. લોકો કોરોનાની ગાઈડલાઈનનો પાલન કરે ડરવાની જરૂર નથી એમ પણ તેમણે ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર સહિત હાલારભરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનું સંક્રમણ વકરતું જતું હોવાથી કેસોની સંખ્યામાં પણ દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.
– રોહિત મેરાણી (જામનગર)