આરંભડાની સીમમાં ‘કેમ અમારી સામે જુવે છે’ કહી આધેડ પર હુમલો

- સામા પક્ષે લોખંડના સળિયા વડે માર માર્યાની રાવ, 3ને ઈજા
દેવભૂમિ દ્વારકા તાલુકાના આરંભડા સીમમાં સામાન્ય બાબતે બે પક્ષ વચ્ચે બોલચાલી થયા બાદ મામલો બીચકયો હતો. જેમાં સામસામી મારામારી સર્જાતા ત્રણ લોકોને ઇજા પહોંચ્યાનું બહાર આવ્યુ છે. પોલીસે બંને પક્ષોની ફરીયાદના આધારે ગુના નોંધ્યા છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ દ્વારકા તાલુકાના મીઠાપુર પંથકના આરંભડા સીમમાં રહેતા ફરિયાદી રમેશ નારનભાઈ માંગલીયા પોતાના ઘરની બહાર રાખેલ પોતાની સાઇકલ લઈને બજારમાં જઇ રહયા હતા તે દરમ્યાન આરોપીઓ જેઠા લધા. કિશન જેઠાએ રમેશને કહેલ કે ” કેમ અમારી સામે જોવ છો “ તેમ કહેતા રમેશએ કહ્યુ કેતમારી સામે નથી જોતો તેમ કહેતા ઉપરોક્ત આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈને રમેશને માથાના ભાગે લાકડી વડે માર મારી ફૂટ ઇજાઓ પહોંચાડી અપશબ્દોનો પ્રયોગ કરતા ફરિયાદી રમેશએ ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ મીઠાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામા પક્ષે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી જેઠાભાઇ સાજાભાઈ લધા તથા તેમનો દીકરો પોતાના રહેણાંક મકાન બહાર ઉભા હતા ત્યારે આરોપી રમેશ નારનભાઈ માંગલીયાએ જેઠાભાઈના દીકરાને ‘’મારી સામે શુ જોવે છે’’ તેમ કહી ભૂંડી ગાળો આપીને લોખંડના સળિયા વડે જેઠાભાઇના દીકરાને ડાબા હાથ તથા પગમાં ઘા મારી અને જેઠાભાઇને ઢીકાપાટુનો માર મારી બન્નેને સામાન્ય મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત મારી નાખવાની ધમકી ઉચ્ચાર્યાની ફરીયાદ જેઠાભાઇએ ઉપરોક્ત આરોપી વિરુદ્ધ મીઠાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
– રોહિત મેરાણી (જામનગર)