ક્રિકેટ સટ્ટામાં આધુનિકીકરણ: મોબાઈલ એપ પર જુગારમાં 1 ઝબ્બે

- શહેરના પ્રખ્યાત યશ મોબાઈલવાળા તથા રવિ દુબઈવાળો ફરાર
ક્રિકેટના સટ્ટામાં અગાઉ ચિઠ્ઠીઓમાં રમાતો જુગાર હવે મોબાઈલ પર પહોંચ્યો છે. હવે બુકીઓએ તેમાં સંશોધન કરી કોમ્પ્યુટરની એપ્લીકેશન બનાવીને જુગાર રમાડવાનું શરૂ કર્યું છે. આવો જ એક જુગાર પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડ્યો છે જેમાં શહેરના નામાંકિત મોબાઈલની દુકાનના ધારકનું તેમજ દુબઈ રહેતા શખસનું નામ ખૂલવા પામ્યું છે.
જામનગરના બેડી ગેઈટ જયશ્રી ટોકિઝ પાસે જાહેર રોડ પર કોમ્પ્યુટર આધારિત આઈપીએલનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ ગળચર તથા સ્ટાફના મેહુલ ગઢવીને મળતા તેમણે ત્યાં રેઈડ કરી ડિઝાઈનીંગનો ધંધો કરતા પ્રશાંત પ્રતાપભાઈ ચૌહાણ (ઉ.વ.34, રહે. ચૌહાણ ફળી શેરી નં.3)ને મોબાઈલ તથા અન્ય મુદ્દામાલ રૂા.54,100 સાથે પકડી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તે જુગારની કપાત આર.કે. (રાજેશભાઈ ગોહિલ, યશ મોબાઈલવાળા) તથા રવિ (રહે.હાલ દુબઈ) પાસે કરાવતો હોવાનું જણાવતા પોલીસે આર.કે. અને રવિ બંનેને ફરાર જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.
– રોહિત મેરાણી (જામનગર)