દ્વારકામાં 10મી મે સુધી તથા ભાણવડમાં 7મી મે સુધી લોકડાઉન

- કોરોનાને મ્હાત આપવા સ્વયંભૂ અભિયાન
- મુખ્ય મથક ખંભાળિયા ઉપરાંત ભાટિયા અને મીઠાપુરમાં પણ
- આવશ્યક સેવાઓને છુટછાટ, બપોર બાદ ધંધા-રોજગાર બંધ રખાશે. મુદત વધારાઇ
- કોરોનાની સાકળ તોડવા માટે સ્થાનિક વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક-આંશિક લોકડાઉનની ચૂસ્ત અમલવારી થઈ રહી છે
વર્તમાન સમયમાં કોરોના સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે અમુક સ્થળોએ સ્થાનિક વેપારીઓ દ્વારા લોકડાઉનના નિર્ણય કરવામાં આવી રહ્યા છે જેમાં જિલ્લાના ભાટિયા, ખંભાળિયા, મીઠાપુર તથા ઓખા વેપારીઓ બપોર પછી લોકડાઉન પાડી રહ્યા છે. યાત્રાધામ દ્વારકા ઉપરાંત ઓખા, મીઠાપુર અને ભાટીયામાં તા.10મી મે સુધી બપોર બાદ સ્વૈચ્છિક લોક ડાઉન લંબાવવાનો નિર્ણય કરાયો છે. જ્યારે ભાણવડમાં તા.7મી મે અને ખંભાળિયામાં પાંચમી મે સુધી સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવાયો છે. ગત તા.22મી એપ્રિલથી બપોરના બે વાગ્યા પછી દ્વારકાના નાના મોટા તમામ વેપારીઓને પોતાની દુકાન બંધ કરી સ્વૈચ્છીક લોકડાઉન પાડ્યું હતું.
પરંતુ કોરોના મહામારી વધુ વકરતા પાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી દ્વારા વેપારીઓ તથા અધિકારીઓને વિશ્વાસમાં લઈ લોકડાઉનને તા.10મી મે સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. ભાણવડમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વૈચ્છિક આંશિક લોકડાઉન ચાલી રહ્યું છે જે ત્રીસમી એપ્રિલના રોજ પુર્ણ થતુ લોકડાઉન તા.7મી મે સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શાકભાજી, દુધ અને મેડીકલ સેવાઓને બાકાત રાખવામાં આવ્યા છે. અન્ય તમામ વેપારીઓએ રોજગાર બંધ રાખી કોરોના સાંકળને તોડવા મદદરૂપ થવા અનુરોધ કરાયો છે. દ્વારકાના ભાટીયા, મીઠાપુર અને ઓખા પંથકમાં પણ તા.10મી મે સુધી બપોર બાદ લોકડાઉનને વધારવાનો નિર્ણય લેવાયો છે. મુખ્ય મથક ખંભાળિયામાં પણ પાંચમી મે સુધી સ્વૈચ્છિક બંધ રાખવાનું નક્કી કરાયુ છે.
– રોહિત મેરાણી (જામનગર)