માણસાના ધારાસભ્યે સિવિલને 42.70 લાખની ગ્રાન્ટ ફાળવી

માણસાના ધારાસભ્ય સુરેશભાઈ પટેલે પોતાની ગ્રાન્ટમાંથી અગાઉ 15 લાખ રૂપિયા ફાળવ્યા હતા અને હવે બીજા 42.70 લાખ રૂપિયા આઇસીયું ઓન વ્હિલ, એક્સ રે મશીન, લેબોરેટરી જેવી જરૂરિયાતો માટે ફાળવ્યા છે જેનો લાભ આગામી સમયમાં દર્દીઓને મળતો રહેશે. હાલની પરિસ્થિતિમાં માણસા તાલુકામાં ઓક્સિજન તેમજ વેન્ટિલેટરની ખૂબ જરૂરિયાત હોવાથી માણસાના ધારાસભ્ય સુરેશભાઇ પટેલે પોતાની ગ્રાન્ટમાંથી કોરોનાના દર્દીઓ અને ઓક્સિજન સહિતની જરૂરિયાત પૂરી કરવા માટે થોડા દિવસ અગાઉ માણસાની સિવિલ હોસ્પિટલને 15 લાખની ગ્રાન્ટ ફાળવી હતી.
ઉપરાંત આજોલ ગામના દાતા જે.એસ. પટેલે પણ 20 જમ્બો સિલેન્ડર આપ્યા છે તે સિવાય પણ સિવિલ હોસ્પિટલમાં દાતાઓ તરફથી દાન આવ્યું છે છતાં પણ સિવિલમાં ડિજિટલ એક્સ-રે મશીન અધ્યતન લેબોરેટરી જેવી સગવડો નહીં હોવાના કારણે દર્દીઓને પરેશાન થવું પડતું હતું. જેથી માણસાના ધારાસભ્ય સુરેશભાઈ પટેલે હોસ્પિટલને આઇસીયું ઓન વ્હિલ એમ્બ્યુલન્સ, ડિજિટલ એક્સ-રે મશીન, કોમ્પ્યુટર સેટ, લેબોરેટરીને અદ્યતન બનાવવા માટે નવા મશીનરીની ખરીદી સહિતની સગવડો માટે 42.70 લાખની ગ્રાન્ટ ફાળવી છે.
આ ગ્રાન્ટમાંથી જરૂરિયાત પ્રમાણેની ખરીદી તેમજ વ્યવસ્થા ઊભી કરી માણસા વિસ્તારના કોરોનાના દર્દીઓને મહત્તમ લાભ આપી શકાય તો માસાના ધારાસભ્યે કોરોનાની મહામારીમાં મતવિસ્તારની ચિંતા કરી મહત્તમ ગ્રાન્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ સાંસદ શારદાબેન પટેલ તરફથી સિવિલ હોસ્પિટલને એક એમ્બ્યુલન્સ મળી છે ત્યારે આવા કપરા સમયમાં સાંસદ પોતાના મતવિસ્તારમાં મતદારો માટે કઈ સગવડ કરે અને રૂબરૂ મુલાકાત લઇ લોકોની તકલીફો સાંભળે એવું પણ લોકો ઇચ્છી રહ્યા છે.