માણસાના પાટણપુરા દૂધ મંડળીના મંત્રીએ 7.41 લાખની ઉચાપત કરતા ફરિયાદ

પાટણપુરા ગામે આવેલ દૂધ મંડળીના મંત્રીએ છેલ્લા દોઢ વર્ષમાં ખોટા હિસાબો બતાવી બેંકમાં ભરવાની થતી સિલક 7.41 લાખ રૂપિયા પોતાના અંગત ઉપયોગમાં વાપરી ઉચાપત કરી હોવાનું ઓડિટરના ધ્યાને આવતા મંડળીના પ્રમુખે માણસા પોલીસ સ્ટેશને મંત્રી વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડી ની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
માણસા તાલુકાના પાટણપુરા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 2016 થી મંત્રી તરીકે ગામના ધર્મેશભાઈ વિષ્ણુભાઈ બજાણીયાની નિમણૂક કરવામાં આવી હતી અને નિયમ મુજબ મહેસાણા દૂધ સાગર સંઘમાં આવતી તમામ ડેરીઓનું સ્પેશ્યલ ઓડિટર દ્વારા વાર્ષિક હિસાબોનું ઓડિટ થતું હોય છે તે રીતે 1-4-2018 થી 31-3-2021 સુધીનું ઓડિટ કરવામાં આવ્યું હતું તે વખતે 10- 8-2019 ના રોજ બંધ સિલક 741643 રૂપિયા હતી પરંતુ નિયમ મુજબ મંત્રી 5,000 સુધીની સિલક પોતાની પાસે રાખી શકે તેમ છતાં તેમણે આ સિલક બેંકમાં જમા કરાવી ન હતી અને પોતાના અંગત ફાયદા અને ઉપયોગ સારું વાપરી નાખી હતી જે રોજમેળ અને હિસાબો જોતા ઉચાપત થયેલ હોવાનું જણાતા મંત્રીને આ બાબતે પૂછતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને 1.20 લાખ મંડળીમાં જમા કરાવ્યા હતા
આમ તેમણે 120000 ની હંગામી ઉચાપત અને 621643 રૂપિયાની કાયમી ઉચાપત કરી હોવાનું ધ્યાને આવતા ઓડિટર દ્વારા મંત્રીને ખુલાસો કરવા માટે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા તેમ છતાં તેઓ હાજર રહ્યા ન હતા જેથી મંડળીની કારોબારીએ ઠરાવ કરી ઉચાપત કરનાર મંત્રી વિરૂદ્ધ કાર્યવાહી કરવા પ્રમુખને સત્તા આપતા દૂધ મંડળીના પ્રમુખ રમણભાઈ ભોળાભાઈ પટેલ મંડળીના સભાસદો અને કારોબારી કમિટીના સભ્યો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવા બદલ અને મંડળીની સિલક બેંકમાં જમા કરવાને બદલે પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી.