માણસામાં કોવિડ ગાઈડ લાઈનના ધજાગરા : પોલીસ મૂક પ્રેક્ષક બની

ગાંધીનગર જિલ્લામાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવી રહેલા રિયાલિટી ચેકમાં માણસામાં કોવિડ ગાઈડ લાઈનના ધજાગરા ઉડાવી વેપારીઓએ ધંધા રોજગાર ખોલી દેતાં બજારોમાં ભારે ભીડ જામી છે. છતાં સ્થાનિક પોલીસ પણ મૂક પ્રેક્ષકની ભૂમિકા ભજવી રહી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે.
એકતરફ રાજ્યભરમાં કોરોના સામેની લડાઈ સામે જીત હાંસલ કરવા સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે. ત્યારે ગૃહ વિભાગ દ્વારા માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરાવવા કડક હાથે કાર્યવાહી કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીના કાયદા હેઠળ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
માણસા પંથકમાં કોરોના ગાઈડ લાઈનનાં ધજાગરા આંખે ઊડીને વળગે તેમ હોવા છતાં સ્થાનિક પોલીસ મૂક પ્રેક્ષકની ભૂમિકામાં આવી ગઈ છે. એકતરફ સ્થાનિક પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રે ગૃહ વિભાગે દિવસે મિની લોકડાઉન અને રાત્રિ કરફ્યુ હોવા છતાં માણસાનાં બજારો ખુલી ચૂક્યા છે. બજારો ખુલી જતાં લોકો પણ કોરોનાને ભૂલીને ખરીદી કરવા મોટી સંખ્યામાં બહાર આવી ગયા છે. થોડા દિવસોથી કોરોના કેસો નહિવત્ થઈ રહ્યાં છે. ત્યારે માણસાનાં બજારો ખુલી જતાં કોરોના કેસોમાં એકદમ ઉછાળો આવે તેવી સ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે.