ગોડાદરામાં જાહેરમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડા, પીવા બેઠેલાઓમાં નાસભાગ

સુરતના ગોડાદરા પોલીસ મથકની હદમાં ગોડાદરા-ડિંડોલી રેલવે ઓવરબ્રિજની બાજુમાં ખુલ્લી જગ્યામાં પતરા તથા નેટના પડદાની આડમાં ધમધમતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલે રવિવારે સાંજે છાપો મારતા દારૂ પીવા બેઠેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. દેશી-વિદેશી દારૂ સહિત મુદ્દામાલ સાથે દારૂના અડ્ડાનું સંચાલન કરતા બુટલેગરના ભાણેજ સહિત ચારને ઝડપી લેવાયા હતા.
મળેલી બાતમીના આધારે ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગતસાંજે 7 વાગ્યાના અરસામાં ગોડાદરા પોલીસ મથકની હદમાં ગોડાદરા-ડિંડોલી રેલવે ઓવરબ્રિજની બાજુમાં આવેલી ગટર અને ખાડીવાળી ખુલ્લી જગ્યામાં પતરા તથા નેટના પડદાની આડમાં ધમધમતા દારૂના અડ્ડા પર છાપો માર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ અડ્ડામાં પ્રવેશી તે સતાહૈ જ ત્યાં દારૂ પીવા આવેલાઓમાં નાસભાગ મચી હતી અને પાછળનો ભાગ ખુલ્લો હોય ત્યાંથી 20 જેટલા વ્યક્તિ ફરાર થઈ ગયા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલે અડ્ડાની બહાર મોપેડ પર બેસેલા શૈલેષ ઈશ્વરભાઈ રબારી ( રહે. રબારીવાસ, આસપાસ મંદિર પાસે, ગોડાદરા, સુરત ) અને અડ્ડાની અંદરથી હિતેષ સંજય ઉદાડે ( ઉ.વ.22, રહે.155, જયલક્ષ્મીનગર, નીલકંઠ સોસાયટી પાસે, ગોડાદરા, સુરત ) અને રવિ શિવજી કાનડે ( રહે.154, જયલક્ષ્મીનગર, નીલકંઠ સોસાયટી પાસે, ગોડાદરા, સુરત ) તેમજ નિખીલ સુધીર સિરસાટ ( રહે.175, જયલક્ષ્મીનગર, નીલકંઠ સોસાયટી પાસે, ગોડાદરા, સુરત ) ને ઝડપી લીધા હતા.
અડ્ડામાં મુકેલા ટેબલના ખાનામાંથી વિદેશી-દેશી દારૂની નાનીમોટી બોટલ અને આઈસબોક્ષમાં રાખેલા બીયરના ટીન મળ્યા હતા. ત્યાં ખાલી ડિસ્પોઝેબલ બોટલ, ગ્લાસ, ખાલી કાચની બોટલ અને ખાલી પોટલીઓ પણ મળી હતી. ઝડપાયેલાઓ પૈકી હિતેષ દારૂનો અડ્ડો ચલાવતા લાલો મરાઠી ઉર્ફે ચંદ્રકાંત રમેશ ભાગવત ( રહે.જયલક્ષ્મીનગર, નીલકંઠ સોસાયટી પાસે, ગોડાદરા, સુરત ) નો ભાણેજ છે અને તે છેલ્લા 10 મહિનાથી અડ્ડાનું સંચાલન કરે છે. જયારે મોપેડ પર ઝડપાયેલો શૈલેષ દારૂ પૂરો પાડતો રોહિત ( રહે.ગોડાદરા, સુરત ) દારૂનો જથ્થો જયલક્ષ્મીનગરની બહાર આપી જાય તેને મોપેડ પર અડ્ડા સુધી લાવતો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે ત્યાંથી રૂ.8620 ની મત્તાની 58 દારૂની બોટલ અને બિયરના ટીન, 17 લીટર દેશી દારૂ, દારૂ વેચાણના રોકડા રૂ.41,190, ચાર મોબાઈલ ફોન, મોપેડ, આઇસબોક્ષ, ટેબલ ફેન વિગેરે મળી કુલ રૂ.82,400 નો મુદ્દામાલ કબજે કરી લાલો મરાઠી અને રોહિતને વોન્ટેડ જાહેર કરાયા છે.
રીપોટ : ક્રિશાંગ ગાંજાવાલા (સુરત)