દાહોદમાં રાજ્ય સરકારના સારા અધિકારીઓની ટીમ સાથે કામ કરવાની તક મળી

- કલેક્ટર શ્રી વિજય ખરાડી અને ડીડીઓ શ્રી રચિત રાજએ તેમના કાર્યકાળની છેલ્લી ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં આત્મસંતોષ વ્યક્ત કર્યો
‘‘દાહોદમાં રાજ્ય સરકારના સારા અધિકારીઓની ટીમ સાથે કામ કરવાની તક મળી છે’’ તેવો આત્મસંતોષ કલેક્ટર શ્રી વિજય ખરાડીએ તેમના કાર્યકાળની છેલ્લી ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા સનદી અધિકારીઓની બદલીના કરાયેલા આદેશમાં શ્રી ખરાડીને જામનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકે તથા દાહોદના જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજને જૂનાગઢના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બન્ને અધિકારીઓએ ફરિયાદ અને સંકલન સમિતિની તેમના કાર્યકાળની છેલ્લી બેઠકમાં હાજરી આપી હતી.
કલેક્ટર શ્રી ખરાડીએ જણાવ્યું કે, દાહોદ જેટલા આદિવાસી વિસ્તારમાં રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલ કરાવી લોકોને તેમને મળવાપાત્ર લાભો અપાવવા માટે પ્રયત્નો કર્યા તેનો આત્મસંતોષ છે. દાહોદમાં કલેક્ટર તરીકે વિકસાવેલી કાર્યશૈલી ભવિષ્યમાં પણ ચાલું રહેશે. તેમણે જિલ્લાના અધિકારીઓને સતત લોકોની સમસ્યા નિવારવા માટે કામ કરતા રહેવાની શીખ આપી હતી. આવી જ વાત શ્રી રચિત રાજે પણ કરી હતી. તેમણે જિલ્લા પંચાયતના અધિકારીઓની પ્રશંસા કરી હતી. દાહોદમાંથી એક અધિકારી તરીકે ઘણી સારી બાબતો શીખવા પણ મળી છે.
અહીં નોંધવું ઘટે કે સમગ્ર કોરોનાકાળ દરમિયાન જિલ્લાના બન્ને અધિકારીઓને સમગ્ર સ્થિતિનું સુકાન સંભાળ્યું હતું. કોરોનાકાળમાં કોઇને તકલીફ ના પડે તેવી આરોગ્યલક્ષી વ્યવસ્થા કરવામાં બન્ને સફળ રહ્યા હતા. આજની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં વિવિધ વિભાગો દ્વારા કરાયેલી કામગીરીની સમીક્ષા બાદ નાયબ વન સંરક્ષક શ્રી આર. એમ. પરમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી મહેશ દવે તથા અધિક કલેક્ટર શ્રી સી. બી. બલાત, શ્રી કિરણ ગેલાત, નાયબ પોલીસ અધિક્ષક શ્રી બેન્કર સહિતના અધિકારીઓને શુભેચ્છાની લાગણી વ્યક્ત કરી હતી.
તસ્વીર : ફરહાન પટેલ (સંજેલી)