અમરેલી જિલ્લાના પ્રભારીમંત્રીની અધ્યક્ષતામાં આયોજન મંડળની બેઠક યોજાઈ

અમરેલી જિલ્લાના પ્રભારી અને રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આજે અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ તથા અન્ય વિવિધ યોજનાઓ અંતર્ગત ૨૦૨૧-૨૨ના વર્ષ માટે રજૂ કરવામાં આવેલ અંદાજીત રૂ. ૧૩.૩૮ કરોડના ૫૨૯ જેટલા વિકાસ કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં પ્રભારીમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઉપસ્થિત અધિકારી પદાધિકારીશ્રીઓને આયોજન મંડળમાં રજુ થતાં લોક સુખાકારી માટેના કામો પૈકી પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને આરોગ્ય તથા આંગણવાડી તેમજ શિક્ષણને લગતાં નાવીન્ય કામો લેવા અનુરોધ કર્યો હતો. તેમજ ચાલુ વર્ષમાં મંજૂર કરવામાં આવેલ કામો પૈકી વધુમાં વધુ ઝડપથી પૂર્ણ કરવા અંગે અમલીકરણ અધિકારીશ્રીઓને સુચના આપી હતી. પ્રત્યેક ગામોમાં સ્થાનિક કક્ષાએ પ્રાથમિકતા ધરાવતા લોક સુવિધાના હાથ ધરાયેલા કામો ઝડપથી પૂર્ણ કરવા તથા આયોજન મંડળમાં મંજૂર થયેલા કામોના પ્લાન એસ્ટીમેટ ટુંકસમયમાં રજૂ કરી, આ મંજૂર કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક સ્તરે રોજગારી પુરી પાડવા અંગે આયોજન મંડળના સ્થાનિક અગત્યતા ધરાવતા કામો જેવા કે, પેવર બ્લોક, સી.સી.રોડના કામો, કોઝ-વેના કામો, નાળાના કામો, ગટરના કામો, પીવાના પાણીની પાઈપલાઈનનાં કામો, મોડેલ આંગણવાડીનું કામ, પ્રાથમિક શાળાની દિવાલ બનાવવાના કામો, મોડેલ આંગણવાડી બનાવવાના કામોના અંદાજો તૈયાર કરવામાં મજૂરીના ભાગને મનરેગા યોજના સાથે સંકલિત કરી ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક સ્તરે રોજગારી પુરી પાડવા અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં અમરેલી જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાએ આયોજન મંડળમાં મંજુર થયેલ કામો સત્વરે હાથ ધરી સમય મર્યાદામાં તે પૂર્ણ થાય તેની તકેદારી રાખવા તમામ અમલીકરણ અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી ડી. એ. ગોહિલએ ૨૦૨૧-૨૨ના વર્ષની વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઈઓનું આયોજન જિલ્લા આયોજન મંડળમાં રજૂ કર્યું હતું. આ બેઠકમાં સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા, ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયા, ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમ્મર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, અધિક કલેક્ટર શ્રી એ. બી. પાંડોર સહિતના અધિકારીશ્રીઓ તથા લોકપ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.