અમરેલીમાં એસપી તરીકે નિર્લિપ્ત રાયની પોસ્ટીંગ થયા બાદ ગુનેગારોમાં ફફડાટ

અમરેલીમાં એસપી તરીકે નિર્લિપ્ત રાયની પોસ્ટીંગ થયા બાદ ગુનેગારોમાં ફફડાટ ફેલાયેલો છે પણ હજી કેટલાય ગુનેગારો બેફામ બની ગુનાઓ આચરી રહયાં છે. શહેરના રામજી મંદિરની શેરીમાં આવેલી દરજીની દુકાનમાં અંગત અદાવતે થયેલા કાયરિંગમાં દરજીને ઇજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. અમરેલીના એસપી નિર્લિપ્ત રાય ગુનેગારો સામે કડક હાથે કાર્યવાહી કરી રહ્યાં હોવાથી અમરેલીની પ્રજા સલામતી અને સુરક્ષાનો અનુભવ કરી રહયાં છે પણ કેટલાક ગુનેગારો હજી બેફામ બની લોકોને રંજાડી રહયાં છે.
આવી જ એક ઘટનામાં અમરેલીના રામજી મંદિરની શેરીમાં બિપિન મેન્સવેર નામની દુકાનમાં બે યુવાનો બુલેટ પર આવે છે અને તે પૈકી એક યુવાન બુલેટ પરથી નીચે ઉતરી દરજી સાથે ઝગડો કરે છે.ઝગડા દરમિયાન બુલેટ પર આવેલો યુવાન ખિસ્સામાંથી તમંચો કાઢી ફાયરિંગ કરે છે. ફાયરિંગમાં દરજી હટી જતાં તેનો બચાવ થાય છે. ત્યારબાદ દરજી યુવાનનો પ્રતિકાર કરતાં બંને વચ્ચે ઝપાઝપી થાય છે. આસપાસના લોકો ભેગા થઇ જતાં બુલેટ પર આવેલાં બંને યુવાનો કરાર થઇ જાય છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવે છે. આ ઘટના સીસીટીવીમાં દેખાઇ રહી હોવાથી પોલીસે તેના આધારે આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ઇજાગ્રસ્ત દરજીને સારવાર માટે ઘ્વાખાને ખસેડવામાં આવ્યો છે.
રિપોર્ટ : ભાવેશ વાઘેલા