સુરત માં કોરોનાના કારણે થયેલી મોંઘવારીની ગૌરી વ્રતના ડ્રાયફુટ પર અસર

આજથી ગૌરી વ્રત શરૂ થઈ ગયાં છે અને આ ગૌરી વ્રત ( અલુણા)માં વ્રત કરનારી બાળાઓનેે એનર્જી આપનારા ડ્રાયફ્રુટના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કારણે મંદી અને મોંઘવારી બન્ને વધી છે તેની સાથે લોકોની ખરીદ શક્તિ પણ ઓછી થઈ છે. બાળાઓ ઉપવાસ કરતી હોવા છતાં વધેલા ભાવના કારણે ડ્રાયફ્રુટની ઘરાકી 50 ટકા જેટલી ઓછી થઈ છે. વ્રત શરૂ થઈ ગયાં હોવા છતાં પણ ડ્રાયફ્રુટના વેપારીઓ ઘરાકોની રાહ જોઈ રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોથી સૌથી ઓછી ઘરાકી હોવાનું વેપારીઓ કહી રહ્યાં છે.
હિન્દુ ધર્મમાં સારા ભરથાર મેળવવા માટે બાળકીઓ ગૌરી વ્રત કરે છે આ અલુણા વ્રત દરમિયાન બાળકીઓ મીઠા વગરનો ખોરાક લેતા હોય છે. મીઠા વગરના ખોરાકના કારણે તેઓનું એનર્જી લેવલ ઓછું થતું હોવાથી મોટાભાગની બાળાઓ એનર્જી લેવલ વધારવા માટે ડ્રાય ફુટનો ઉપયોગ કરે છે. ડ્રાય ફ્રુટમાંથી જે કેલેરી મળે છે તે ઉપવાસી બાળઓનો સ્ટેમીના વધારતી હોય છે. પરંતુ બાળાઓના સ્ટેમીના વધારતા ડ્રાય ફ્રુટની ખરીદી કરવા વાલીઓના ખિસ્સા પર વધુ કાપ મુકાઈ રહ્યો છે.
મોંઘવારી, મંદીની સાથે સાથે ડ્રાય ફ્રુટના ભાવમાં પણ ખાસ્સો ઉછાળો આવ્યો છે. ડ્રાય ફ્રુટનું વેચાણ કરનારા વેપારી ભરતભાઈ દોરાબદારૂવાલા કહે છે, ગત વર્ષે વ્રતમાં સૌથી વધુ અંજીરનો ઉપયોગ થાય છે ગત વર્ષે અફધાન અંજીરનો ભાવ એક હજારથી બારસો રૂપિયા કિલોનો હતો તે ભાવ વધીને સીધો 1400 રૂપિયાથી 1600 રૂપિયા કિલોનો થઈ ગયો છે. ગત વર્ષે એ ગ્રેડના અંજીર મળતા હતા પરંતુ આ વર્ષે એ ક્વોલીટી ન હોવા છતાં ભાવ વધ્યો છે. આવી જ રીતે કાજુના ભાવમા કિલોએ 200 રૂપિયા, આલુના ભાવમાં 100 રૂપિયા લાલ દરાખના ભાવમાં 100 રૂપિયા સહિત મોટા ભાગના ડ્રાય ફ્રુટના ભાવમાં વધારો થયો છે. સામાન્ય રીતે વ્રત શરૂ થાય તેના એક સપ્તાહ પહેલાં ડ્રાયફ્રુટની ખરીદી નિકળે છે પરંતુ અગાઉના વર્ષની સરખામણીમાં વ્રત શરૂ થઈ ગયું હોવા છતાં 50 ટકા પણ ઘરાકી નિકળી નથી.
ડ્રાયફ્રુટના ભાવમાં 20 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે પરંતુ ખરીદીમાં 50 ટકાનો ઘટાડો છે તે જ બતાવે છે કે હવે કોરોનાની મંદીના કારણે લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે અને તેની અસર સીધી તહેવારની ઉજવણી પર પણ જોવા મળી રહી છે. સુરત સહિત ગુજરાતમાં અલુણા વ્રતમાં જે સુકો મેવાનો ઉપયોગ થાય છે તેમાંથી અંજીર અને આલુ જેવાડ્રાયફ્રુટઅફઘાનિસ્તાનથી આવે છે. અફધાનિસ્તાનથી આવતા ડ્રાયફ્રુટની ક્વોલીટી સૌથી ઉંચી હોવાથી તેની ડિમાન્ડ પણ વધુ રહે છે. પરંતુ છેલ્લા ઘણાં વખતથી અફઘાનિસ્તાનમાં યુધ્ધ જેવી સ્થિતિ છે તેથી આ વર્ષે તો એ વન ક્વોલીટીના ડ્રાયફ્રુટ આવ્યા જ નથી. હાલ જે મળે છે તે બીજી ક્વોલીટીનો માલ છે પરંતુ તેની પણ અછત હોવાથી ઉપરથી જ ભાવ વધારો થઈ રહ્યો છે તેના કારણે ડ્રાયફ્રુટના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
રીપોટ : સુનિલ ગાંજાવાલા
સુરત