શિવરાજપુર બિચ ગોવાને ટક્કર મારે તેવો બનશે તથા રોજગારીની તકો વધશે તેવો મુખ્યમંત્રીનો દાવો
- બેટ દ્વારકા આસપાસના ટાપુઓનો સર્વે ચાલુ છે જેના વિકાસ અંગે પણ વિચારણા કરાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે બીચના વિકાસની ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ બાદ પત્રકાર પરિષદને સંબોધતા શિવરાજપુર બીચના વિકાસ કાર્યોની ચર્ચાની સાથે સાથે આ બીચનો ગોવાને ટક્કર મારે તેવો વિકાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવેલ કે ગુજરાતમાં દરીયો, જંગલ, પહાડો, પવિત્ર દેવસ્થાનો, રણ આ બધાનો વિકાસ કરી ટુરીઝમ ક્ષેત્રમાં આપણે હરણફાળ ભરી રહ્યા છીએ. ગુજરાત પાસે ૧૬૦૦ કિમીનો દરિયા કિનારો છે.
કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા લોકોને બીચ પર ન્હાવાનો લહાવો મળે તેવો એક બીચ ડેવલોપ થાય તે માટે દ્વારકાધામમાં દર્શન કરવા લાખો લોકો આવતા હોય, તીર્થક્ષેત્રની નજીકમાં આવેલ શિવરાજપુર બીચને ડેવલોપમેન્ટનો મહાત્વાકાંક્ષી પ્રોજેકટ પર વિકાસના કામો અવિરતપણે ચાલી રહ્યા છે. શિવરાજપુર બીચમાં વોક થ્રુ, ચેન્જ રૂમ, ટોઈલેટ બ્લોક, વોચ ટાવર, રીફ્રેશમેન્ટ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. સાથે સાથે માહિતી મળે તે હેતુ એન્ટ્રન્સ પ્લાઝા વિકાવવામાં આવશે.
શિવરાજપુર બીચમાં ૩ કિમી વિસ્તારમાં વિકાસ કાર્યો કરાશે અને ટુરીઝમની ઉત્તરોત્તર સુવિધામાં વધારો કરી ગોવાને ટક્કર આપે તેવો બીચ વિકસાવવામાં આવશે. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન વધુમાં મુખ્યમંત્રીએ હાલમાં શિવરાજપુર બીચને સાથે સાથે ઓખા-બેટ દ્વારકા વચ્ચે સીગ્નેચર બ્રીજ શિવરાજપુરમાં ચાલી રહેલ ડેવલોપમેન્ટ પ્રોજેકટસ, બેટમાં ડેવલોપમેન્ટ પ્રોજેકટસની જાહેરાત બાદ આગામી સમયમાં સમગ્ર ક્ષેત્રમાં ડેવલોપમેન્ટની સાથે સાથે ટુરીઝમ વધવાને લીધે રોજગારીની પણ વિપુલ તકો ઉભી થશે.
હોટલ, ઉદ્યોગ, હોસ્પિટાલીટી, ફુડ, રેસ્ટોરાં, ટ્રાન્સપોર્ટેશન, ગાઈડ ઈત્યાદિ ક્ષેત્રે ટુરીઝમના વિકાસની સાથે રોજગારીની પણ વિવિધ તકો ઊભી થશે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વધુમાં બેટ દ્વારકામાં વિકાસના ૧૫ પ્રોજેકટસની સાથે સાથે આ ક્ષેત્રમાં આવેલ અન્ય ટાપુઓના વિકાસ અંગે પણ સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના આધારે આસપાસના ટાપુઓના ડેવલોપમેન્ટ અંગે પણ નિર્ણય લેવાશે અને આવનારા દિવસોમાં એ અંગે કાર્યવાહી હાથ ધરાશે.
– રોહિત મેરાણી (જામનગર)