જામનગરમાં બનેલ અપમૃત્યુના બનાવ

જામનગર નજીકના સિક્કા પાટીયા પાસે એક ખેતરમાં કામ કરતાં શ્રમિકનું વીજ આંચકો લાગતા મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ભાવાભી ખીજડીયા ગામમાં છાતીમાં દુખાવો ઉપડ્યા પછી એક ખેડૂતનું મૃત્યુ થયું છે. જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા સિકકા ગામના પાટીયા પાસેના ભગવાનજીભાઈ બેચરભાઈ ગામેતી નામના ખેડૂતના ખેતરમાં મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની નવલસીંગ વેસ્તીભાઈ બથરીયા (ઉ.વ.૫૪) નામના આદિવાસી પ્રૌઢ ગઈકાલે રાત્રે તે ખેતરમાં પાણી વાળવા સહિતનું કામ કરી રહ્યા હતા.
આ વેળાએ કોઈ રીતે નવલસીંગને વીજ આંચકો લાગતાં આ પ્રૌઢ ફેંકાઈ ગયા હતા. તેઓને સારવાર માટે ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી પરંતુ તે પહેલા નવલસીંગનું મૃત્યુ નિપજ્યાનું અલીરાજપુર જિલ્લાના ઈટાલા ગામના માધુભાઈ થાવરીયાભાઈ ચંગલે પોલીસમાં જાહેર કર્યું છે. મેઘપર પોલીસ સ્ટેશનના એએસઆઈ વી.બી.રાઠોડે સીઆરપીસી ૧૭૪ હેઠળ અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામના ખેડૂત છોટુભા કીલુભા જાડેજા (ઉ.વ.૫૨) નામના પ્રૌઢ ગઈકાલે બપોરે પોતાના ખેતરમાં સાતી ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક જ છાતીમાં દુખાવો ઉપડતા બેભાન બની ઢળી પડ્યા હતા. તેઓને પુત્ર જનકસિંહે સારવાર માટે કાલાવડ દવાખાને ખસેડ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. જમાદાર આર.કે.ઝાલાએ જનકસિંહનું નિવેદન નોંધ્યું છે.
– રોહિત મેરાણી (જામનગર)