કડીના વિડજ ગામે સોમ વિદ્યાલયમાં ભારતીય કિસાન સંઘની બેઠક મળી

- કડીમાં યોજાયેલ ભારતીય કિસાન સંઘની બેઠકમાં ખેડૂતોને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી
- ખેડૂતોને પજવતા જુદા જુદા પ્રશ્નો મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
- તાલુકા પ્રમુખ અને મંત્રીઓની બેઠકમાં વરણી કરવામાં આવી
કડી તાલુકાના વિડજ ગામમાં આવેલ સોમ વિદ્યાલયમાં ભારતીય કિસાન સંઘની બેઠક મળી હતી.બેઠકમાં ગુજરાત પ્રદેશ ના પ્રમુખ ,સહમંત્રી અને કારોબારી સભ્ય અને આગેવાનો હાજર રહ્યા હતા.જિલ્લા મંત્રી મહામંત્રી અને કોષાધ્યક્ષ શ્રી ભારતીય કિસાન સંઘ ગુજરાતના ખેડૂતોના મુઝવતા પ્રશ્નો જેવા કે ફિક્સ ચાર્જ નાબૂદ કરવો,સમાન સિંચાઈદર, સમાન વીજદર, દિવેલાના ટેકાના ભાવ ઊંચા જાહેર કરવા, દર મહિને ખેડૂતોને રૂ ૧૦૦૦૦/ દર મહિને પેન્શન ચૂકવવું, જમીન રી સર્વે ના ઉભા થયેલા પ્રશ્નો નિકાલ કરવો, તેમજ ખેડૂતોના બાકી રહેલા તમામ પ્રશ્નોનો નિકાલ કરવા માટે સંગઠન વ્યવસ્થિત બનાવવા બધાએ એકરૂપ થઈ પદ્ધતિસરની રજૂઆત કરવા અને ખેડૂતોના પ્રશ્નોનું સત્વરે નિકાલ કરવાનું આહવાન કર્યું હતું.
પ્રદેશ અધ્યક્ષ શ્રી અને સહમંત્રીશ્રી એ પોતાના વક્તવ્યમાં દરેક ગામમાં ગ્રામ્ય કક્ષાએ સાત સભ્યોની કારોબારી રચીને પોતાના ગામના અને ખેડૂતોના પ્રશ્નો સંકલન કરી તાલુકા કક્ષાએ પહોંચાડી જિલ્લા કક્ષાએ પહોંચાડી પ્રદેશ કક્ષાએ પહોંચાડવા કામગીરી કરવી ખેડૂતોને સંગઠિત કરવા જાગૃતતા માટે વારંવાર મીટીંગો કરવી જેવા સૂચન કર્યા હતા તેમજ ખેડૂતોના પ્રશ્નો સરકારશ્રીમાં એકી અવાજે રજૂ કરવાની અને તેનો નિકાલ લાવવાની તેમજ ઉત્તર ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવાની બાહેધરી અને સંપૂર્ણ ખાતરી આપી હતી. ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ લાવવાની આવી ખાતરી પૂર્વક ની વાત સંઘના પ્રમુખ તેમજ પદાધિકારીઓ દ્વારા કરવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી અને આ વાતને દરેકે તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. બેઠકમાં કડી તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ તરીકે પ્રવીણભાઈ પટેલ અને મંત્રી તરીકે જશુભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.