વનિતાબેન’રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વિજેતા સુશ્રી રાઠોડની મુલાકાત

તખુભાઈ : આપનું નામ વ્યવસાયનો કાર્યકાળ જણાવો
જવાબ : હું વનિતા રાઠોડ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત શ્રી વિનોબા ભાવે પે.સેન્ટર શાળા નંબર 93 માં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. વર્ષ 2004થી પ્રા.શિ.2012 થી શ્રી વિનોબા ભાવે પે.સેન્ટર શાળા નંબર 93 માં h-tat આચાર્ય છું.
તખુભાઈ : આપને રાષ્ટ્રીય પુરસ્કાર સિવાયના અન્ય કયા પ્રકારના પુરસ્કાર પ્રાપ્ત થયા છે તમને પુરસ્કાર મળવા માટે ક્યુ કારણ તમે જાતે જવાબદાર માનો છો
જવાબ : પરિશ્રમ એ જ પારસમણિ. હું એવું માનું છું કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.શાળામાં થતુ ટીમ વર્ક, મારી શાળા પરિવારના તમામ સભ્યોનો સહયોગ.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ કચેરી તથા મારા પરિવારે મને આપેલો સાથ સહકાર, વડીલોના આશીર્વાદ અને ભગવાનની કૃપા આજ બધાના કારણે હું રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ સુધી પહોંચી શકી છું. 2018માતાલુકા શિક્ષક, 2019 માં જિલ્લાના શ્રેષ્ઠ આચાર્ય ,2019 માં શ્રી અરવિંદ સોસાયટી દ્વારા મળેલ નેશનલ ઇનોવેટિવ ટીચર નો એવોર્ડ ,વર્ષ 2020માં ગુજરાત સરકારનો શ્રેષ્ઠ શિક્ષક,2021માં રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક…
તખુભાઈ : આચાર્ય તરીકે તમે શાળાના શિક્ષકગણને કાર્યરત રાખવા કઈ કઈ બાબતને પ્રાધાન્ય આપો છો અને તેમાં કઈ બાબત બાધારૂપ બનતી તમે અનુભવી…?
જવાબ : શિક્ષક ગણને શાળાના વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસ કરવા માટે, શિક્ષક કાર્યરત રહે તે બાબતને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. બાળકોની અનિયમિતતા, શાળાના બાળકોનું વધુ પડતું સ્થળાંતર વધુ બાધારૂપ લાગે છે. જેને નિવારવા પણ સતત પ્રયાસો કરતા રહીએ છીએ.
તખુભાઈ : તમારા કાર્યકાળ દરમિયાન તમારા વિદ્યાર્થીની સામુહિક અને વ્યક્તિગત સિદ્ધિઓને તમે કઈ રીતે વર્ણવો છો..?
જવાબ : વિદ્યાર્થીઓ નેશનલ ઓલમ્પિયાડ માં, રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં વિજેતા બન્યા છે. એન.એમ.એમ.એસ ની પરીક્ષા માં દર વર્ષે બે થી ત્રણ વિદ્યાર્થીઓ મેરીટ માં આવે છે.દર વર્ષે ત્રણ વિદ્યાર્થીઓ નવોદય ની પરીક્ષા માં પાસ થાય છે. વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર અભ્યાસમાં ઊંચું આવ્યું છે.કલા મહાકુંભ હોય, ગણિત વિજ્ઞાન પ્રદર્શન હોય, પુજીત રૂપાણી ની પરીક્ષા હોય વિદ્યાર્થીઓનું દેખાવ ખૂબ સારો રહ્યો છે. અને સફળતા હાસિલ થઈ છે. શાળાનો ગુણોત્સવ ગ્રેડ ઊંચો આવ્યો છે. શાળાની સંખ્યા માં અઢીથી ત્રણ ગણો વધારો થયો છે. શાળામાં ભૌતિક સુવિધાઓનો વિકાસ થયો છે. શાળાના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસમાં એમ.બી.બી.એસ, નર્સિંગ માં, પીટીસીમાં, બી એસ ડબલ્યુ,બીસીએ અને એન્જીનીયરીંગમાં આગળ વધ્યા છે. અને સારી કારકિર્દી નિર્માણ કરી શક્યા છે.
તખુભાઈ :પ્રાથમિક શિક્ષણ દિનપ્રતિદિન ગુણવત્તાની દ્રષ્ટિએ નબળું પડી રહ્યું છે તેના માટે તમે કયા કારણોને જવાબદાર સમજો છો? અને તેમાં સુધારા કરવા માટે જો આપને સૂચવવામાં આવે તો કયા પ્રકારના પાંચ ફેરફારો તમે ઇચ્છો છો?
જવાબ : શિક્ષણની ગુણવત્તા જો કોઈ શાળામાં નબળી હોય તેમની પાછળ ઘણાં કારણો જવાબદાર હોય શકે છે.જેમકે વાલીઓની શિક્ષણ પ્રત્યેની મહત્વતાની જાગૃતિનો અભાવ, વિદ્યાર્થીઓનું અનિયમિત રહેવું, વિદ્યાર્થીઓ પાસે શૈક્ષણિક જરૂરિયાતોની કમી, વગેરે.નિવારવા માટે સરકાર ખૂબ પ્રયાસો કરી રહી છે. વિવિધ પ્રોજેક્ટ અને કાર્યક્રમો અમલમાં આવી રહ્યા છે. શૈક્ષણિક ગુણવત્તા વધારવા માટે શિક્ષણનું કાર્ય રસપ્રદ બને તેવા પ્રયાસો શિક્ષકે કરવા જોઈએ.સાથે સાથે વાલીઓએ પણ વિદ્યાર્થીને નિયમિત શાળાએ મોકલવા જોઈએ, બાળક ભણવામાં નબળો ન રહી જાય એ માટે વાલીએ પણ ઘરે ગયાં પછી બાળકના શિક્ષણ તરફ ધ્યાન આપવું જોઈએ. વિદ્યાર્થીઓની એકાગ્રતા શિક્ષણ પ્રત્યે વધે અભિરુચિ વધે તે માટે જુદી જુદી પદ્ધતિ અપનાવીને શાળામાં શૈક્ષણિક કાર્ય થવું જોઈએ.
તખુભાઈ : સરકારી શાળાઓના શિક્ષકો માટે તમે મહત્વનો સંદેશો કયો આપશો…?
જવાબ : માત્ર સરકારી શાળાના શિક્ષકો જ નહીં પરંતુ તમામ શિક્ષક ની સફળતા તેના વિદ્યાર્થીની સફળતા રહેલી હોય છે.હું દરેક શિક્ષક ને એ સંદેશો આપવા માગી શકે તમારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિદ્યાર્થી કેન્દ્રિત પ્રવૃત્તિઓ અને પદ્ધતિઓ અપનાવી સર્વ શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય આપવું જોઈએ.દરેક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓ માં છુપાયેલા ટેલેન્ટને ઓળખીને તેને સર્વશ્રેષ્ઠ સ્થળે પહોંચાડવા સતત પ્રયાસ કરવા જોઈએ.
તખુભાઈ : શાળા શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ સાર્વત્રિક રીતે થાય તે માટે તમે કેવો પ્રોજેક્ટ હાથ ઉપર લઈ શકો અને તેનાથી વિદ્યાર્થીઓને શું લાભ થાય ?
જવાબ : હાલમાં શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા ડિજિટલ શિક્ષણ નું કાર્ય થઈ રહ્યું છે. અમારી શાળામાં ત્રણ પ્રોજેક્ટર છે આ ઉપરાંત કોરોના સમયમાં શાળાના youtube ચેનલ પર અમે ઘણા શૈક્ષણિક વીડિયો બનાવી વિદ્યાર્થીઓને ટેક્નોલોજી દ્વારા શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો છે.શાળાના તમામ શિક્ષકો દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવામાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. કઠિન બિંદુ ને સરળતાથી સમજાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ મદદરૂપ બને છે.
તખુભાઈ : મૂલ્ય શિક્ષણ અને તમો માર્ક શિક્ષણથી વધુ મહત્વ આપો છો જો હા તો તમે મૂલ્ય શિક્ષણ ઉપર કેવું કામ કર્યું છે ?
જવાબ : શાળામાં ભણાવતા તમામ વિષયો સાથે મૂલ્ય શિક્ષણ આવી જતું હોય છે. વિદ્યાર્થીના ઉત્તમ ચારિત્ર્ય ઘડતર માટે વિદ્યાર્થી પ્રામાણિક અને વિદ્યાર્થી આદર્શ જીવન જીવે તે માટે પ્રાથમિક શાળા મોટો ફાળો આપી શકે છે. બાળકો ભાષણથી શીખતા નથી. પરંતુ તેની સામે જેવું આચરણ રજૂ થાય છે. તેમાંથી તે વધુ શીખતા હોય છે માટે જ જો શિક્ષક આદર્શ વાદી હશે અને શિક્ષકનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હશે. તો તેની છાપ વિદ્યાર્થી ઉપર ઊંડાણથી પડે છે અને વિદ્યાર્થી પણ તેનું જ આચરણ કરે છે.
તખુભાઈ : રાજ્ય સ્તરીય અને રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષક પુરસ્કારોની પસંદગી પ્રક્રિયા તટસ્થ એજન્સી દ્વારા થવી જોઈએ તેવું તમે માનો છો? રાષ્ટ્રીય પુરસ્કાર માટેની પસંદગી માટે શિક્ષકોને આ પુરસ્કાર ની તૈયારી માટે શું સુચવવા માંગો છો ?
જવાબ : હા, રાજ્ય સ્તરીય અને રાષ્ટ્રીય સ્તરીય પુરસ્કાર માટે તટસ્થ સમિતિ જ હોવી જોઈએ.રાષ્ટ્રીય પુરસ્કાર માટે દરેક શિક્ષકે બાળકના સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરી પોતે કરેલા કાર્યોનું ડોક્યુમેન્ટેશન અને પ્રેઝન્ટેશન તૈયાર કરવું જોઈએ.અને સમયાંતરે આ માટે મંગાવવામાં આવતા અહેવાલમાં જરૂરથી સામેલ થવું જોઈએ.
તખુભાઈ : આ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવવા બદલ તમે તમારા પરિવારને કેટલીક જવાબદારીઓ શિક્ષણના ભોગે ન નિભાવી શક્યા હો તો તેનું શ્રેય અન્ય કોને આપવા ઇચ્છો છો ?
જવાબ : શાળામાં મહત્તમ સમય આપવાના કારણે ઘણી વખત એવું બન્યું હોય કે હું મારા ખુદના બાળકને પૂરતો સમય ન આપી શકી હોય. એક સિંગલ વુમન અને સિંગલ મધર હોવાના કારણે મારા એક માત્ર બાળક ને સાચવવાની જવાબદારી મારા સિરે રહી છે. એ જવાબદારી નિભાવવામાં મને મારા માતા-પિતા, ભાઈ ભાભીએ ખૂબ જ સહયોગ આપ્યો છે. મારા પરિવારના સહકારથી જ હું આજે અહીં સુધી પહોંચી શકી છું. હું એમની ખૂબ આભારી છું.
તખુભાઈ : એક મહિલા તરીકે શિક્ષણની સાથે પરિવારને સંભાળવાની જવાબદારીમાં કેવા પડકારોનો તમારે સામનો કરવો પડ્યો?તેનો ઉકેલ કેવી રીતે મેળવ્યો..?
જવાબ : એક મહિલા તરીકે શાળાના આચાર્ય ની જવાબદારી ઉપરાંત પરિવારને સંભાળવાની જવાબદારીમાં મારે ખૂબ સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે.ખૂબ પડકારો ઝીલવા પડ્યા છે.બસ, એક જીવન મંત્ર રાખ્યો છે કે, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. અને પરિશ્રમ એ જ પારસમણિ.
એવું વિચારી સતત કાર્ય કરવાથી હું એ પડકારોનો સામનો કરી શકી છું અહીં મને ઘાયલ સાહેબનું એક શેર યાદ આવે છે કે,
“રસ્તો નહિ જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના,
નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના,
છો ને ફર્યા નથી કંઈ,
દીથી ડરી જવાના,
એ શું કરી શક્યા છે ?
એ શું કરી જવાના? ”
તખુભાઈ સાંડસુર
👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.
👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured
☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777
લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:
ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947