તંત્રની જીવલેણ બેદરકારી : શાકમાર્કેટ પાછળ ખુલ્લી કુંડીમાં એક બાદ એક એમ પાંચ ગાય ખાબકી

નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે પાંચેય ગાયનો જીવ બચાવી લીધો, પણ વારંવાર અબોલ પશુઓ પડવાના બનાવોથી લોકોમાં ભારે રોષ નક્કર કાર્યવાહીની માંગ
મોરબી : મોરબીમાં તંત્રની જીવલેણ બેદરકારીને કારણે આજે શાક માર્કેટ પાછળ કચરાથી ખદબદતી ખુલ્લી ગટરની કુંડીમાં આજે એકીસાથે પાંચ ગાય ખાબકી હતી. જો કે નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે પાંચેય ગાયનો જીવ બચાવી લીધો હતો. પણ વારંવાર અબોલ પશુઓ પડવાના બનાવોથી લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આથી વધુ કોઈ જીવ હાનિ થાય તે પહેલાં તંત્ર નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
મોરબીના શાક માર્કેટ પાછળ આવેલ ખુલ્લી ગટરની કુંડી તંત્રના અબોલ પશુઓ માટે મોતનો કૂવો સાબિત થઈ રહી છે. આસપાસના અમુક લોકો જોખમી બેદરકારી દાખવીને ગટરની કુંડીમાં સડેલા શાકભાજી સહિતનો કચરો ઠાલવે છે. જો કે આ ખુલ્લી ગટરની કુંડી પહેલેથી ચોકઅપ હોવાથી ગટરના ગંદા પાણીથી છલોછલ ભરેલી છે. તેમાંય કચરો નાખતા આખી કુંડી ગંદકીથી ખદબદે છે. જો કે ખુલ્લી કુંડીમાં કચરો ઉપર છલોછલ ભરેલો હોય નીચે મોતનો કૂવો છે, તેવી પશુઓને ખબર ન હોય કચરો ખાવા જતા અબોલ પશુઓ તેમાં ખાબકે છે. આ ખુલ્લી ભૂગર્ભની કુંડીમાં અઠવાડિયામાં પાંચ વધુ અબોલ પશુઓ પડવાના બનાવો બને છે. જેમાં બે દિવસ પહેલા જ એક ગાય આ ખુલ્લી કુંડીમાં પડી ગઈ હતી. આમ છતાં તંત્રએ આ સમસ્યા ઉકેલવાની જરાય તસ્દી લીધી ન હતી. આથી તંત્રના પાપે આજે ખુલ્લી ભૂગર્ભ ગટરની કુંડીમાં એકીસાથે પાંચ ગાયો ખાબકી હતી. આ બનાવની જાણ થતાં તંત્ર આબરૂ બચાવવા દોડ્યું હતું અને નગરપાલિકા ફાયર વિભાગની ટીમે જૅસીબી વડે કુંડીમાંથી પાંચેય ગાયને હેમખેમ બહાર કાઢી લીધી હતી. જો કે આ ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડી માત્ર અબોલ પશુઓ માટે જ નહીં લોકો માટે જોખમી બની છે. તેથી તંત્ર આ મામલે નક્કર કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી