અમરેલી જિલ્લામાં મેગા વેક્સીનેશન ડ્રાઈવને બહોળો પ્રતિસાદ

અમરેલી જિલ્લામાં મેગા વેક્સીનેશન ડ્રાઈવને બહોળો પ્રતિસાદ : આજે ૯ નવેમ્બરના મેગા ડ્રાઈવનો બીજો દિવસ
અત્યાર સુધીમાં ૧.૫૧ લાખથી વધુ લોકોને વેક્સીન અપાઈ : જિલ્લાના ૪૯૪ ગામોમાં ૧૦૦% વેક્સિનેશન પૂર્ણ
આજે એક જ દિવસમાં ૧૦,૮૨૬ લોકોને વેકસીન અપાઈ : જિલ્લામાં ૨૬૮ સાઈટ ઉપર ૧૫૦૦ જેટલા આરોગ્યકર્મીઓ ખડેપગે
હજુ પણ વેક્સીન લેવામાં બાકી તમામને લાભ લેવા આરોગ્ય તંત્રનો અનુરોધ
અમરેલી તા. ૮ નવેમ્બર, અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા મેગા વેક્સીનેશન ડ્રાઈવને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આ ડ્રાઈવમાં ૨૬૮ જેટલી સાઈટ ઉપર આરોગ્ય તંત્રના ૧૫૦૦ જેટલા કર્મીઓએ ૧૦ હજારથી વધારે લોકોને કોરોના પ્રતિરોધક વેકસીન આપી હતી. આજે ૯ નવેમ્બરના મેગા ડ્રાઈવનો બીજો દિવસ હોવાથી દરેક જગ્યાએ વેક્સીન આપવામાં આવશે.
આરોગ્ય વિભાગના બપોરના ૪ વાગ્યાના અહેવાલ પ્રમાણે આજે એક જ દિવસમાં જિલ્લામાં ૧૦૮૨૬ લોકોને વેક્સીન આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં જિલ્લામાં ૧.૫૧ લાખથી વધુ લોકોને વેક્સીન આપવામાં આવી છે અને જિલ્લાના ૪૯૪ ગામો ૧૦૦% વેક્સિનેશન પૂર્ણ જાહેર કરવામાં આવ્યા છે. આજે એક જ દિવસમાં અમરેલી જિલ્લામાં સૌથી વધારે સાવરકુંડલા તાલુકામાં ૧૫૭૩ અને સૌથી ઓછું લીલીયા તાલુકામાં ૨૩૯ લોકોનું વેક્સીનેશન થયું હતું. હજુ પણ કોવિડ વેક્સીન લેવામાં વંચીત તમામને તાત્કાલિક અસરથી વેક્સીન લેવા આરોગ્ય તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવે છે.
સમગ્ર અમરેલી જિલ્લામાં ૨૬૮ જેટલી સાઈટ (આરોગ્ય કેન્દ્રો અને અન્ય જગ્યાઓએ) ઉપર આરોગ્ય વિભાગના મેડીકલ ઑફિસરશ્રીઓ, નર્સિંગ સ્ટાફ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો, આશાબહેનો એમ કુલ મળી ૧૫૦૦ થી વધુ કર્મીઓ ખડેપગે રહ્યા હતા.
નોંધનીય છે કે હાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગના ખેડૂતમિત્રો દિવાળીના તહેવારો બાદ ખેતીકામ અને અન્ય કામકાજ પૂર્ણ કરી થોડી રાહત અનુભવતા હશે એવામાં જો થોડો સમય ફાળવી વેક્સીન લઈ લેશે તો કોરોના સામે રક્ષણ મેળવી શકશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રસીકરણ નિશ્ચિત સુરક્ષા સુનિશ્ચિત અંતર્ગત સંપૂર્ણ રસીકરણના લક્ષને વેગવંતું બનાવવા ૩ થી ૩૦ નવેમ્બર સુધી ‘હર ઘર દસ્તક’ અભિયાન શરૂ કર્યું છે જેમાં જે જે લોકોએ હજુ સુધી વેકસીનનો પ્રથમ કે બીજો ડોઝ નથી લીધો તેવા લોકોના ઘરે ઘરે જઈને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ